હેકેથોન-૨૦૧૭ મારવાડી કોલેજમાં યોજવાની અરજન્ટ બિઝનેસ દરખાસ્તને પણ લીલીઝંડી: રેલનગર બ્રીજમાં વરસાદી પાણીના નિકાલ માટે મશીનરી ખરીદવ રૂ૨૭ લાખ મંજુર
રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી તમામ ૪૮ દરખાસ્તોને બહાલી આપી રૂ૩૮ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા. રેલનગર બ્રીજમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન સહિતની મશીનરી વસાવવા માટે રૂ.૨૭ લાખનો ખર્ચે મંજુર કરાયોછે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યુ હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. દરમિયાન મ્યુ.કમિશનર બંછાનિધી પાની દ્વારા એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. સ્માર્ટ સીટી રાજકોટમાં શોધી કાઢવામાં આવેલી ૧૦૦ જેટલી સમસ્યાઓના નિકાલ માટે હેકેથોન-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. હેકેથોન અગાઉ દર્શન કોલેજમાં યોજાવાની હતી પરંતુ હવે મારવાડી કોલેજમાં યોજાશે. જે મહાપાલિકાના હદ વિસ્તારની બહાર આવતું હોય તેની મંજુરી લેવા સૈઘ્ધાંતિક દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેને બહાલી આપવામાં આવી છે. શહેરમાં રસ્તા કામ માટે રૂ.૪.૩૪ કરોડ, લાઈબ્રેરી માટે રમકડા અને પુસ્તકો ખરીદવા રૂ૮૭.૬૫ લાખ, ખરીદવા માટે રૂ૬૮.૧૯ લાખ સહિત કુલ ૩૮.૩૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.