દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ

અબતક, નવી દિલ્હી : દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે આજે લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે કે, કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી, નવા અધ્યક્ષ પદની શોધ અંગે ચર્ચા થઈ શકે છે. જોકે સોનિયા ગાંધીએ પોતે ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ હોવાનો સંકેત આપી દીધો છે.

બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ જણાવ્યું કે, જો તમે બધા મને એવું કહેવાની અનુમતિ આપશો તો હું મારી જાતને ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ તરીકે રાખીશ. અમે કદી સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને સમજ્યા-વિચાર્યા વગર નથી જવા દીધા પરંતુ મીડિયાના માધ્યમથી મારા સાથે વાત કરવાની કોઈ જ જરૂર નથી.

એવું માનવામાં આવે છે કે, સોનિયા ગાંધીનું આ નિવેદન પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના સમૂહ જી-23ને કરારો જવાબ છે. હકીકતે થોડા દિવસો પહેલા જ કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે, કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે તે તેમને સમજાઈ નથી રહ્યું.

સોનિયા ગાંધીએ સંગઠનની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ કહ્યું કે, પૂર્ણ સંગઠનાત્મક ચૂંટણીઓનો કાર્યક્રમ તમારા સામે છે. 30 જૂન, 2021ના રોજ ચૂંટણીલક્ષી રોડમેપને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે ચૂંટણી ન યોજાઈ શકી. તમે બધા એ નક્કી કરો, પાર્ટીમાં કોઈ એકની મરજી નહીં ચાલે. આ સાથે જ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને આત્મ-નિયંત્રણ અને અનુશાસનનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું.

બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે લખીમપુર ખીરીની ઘટના ભાજપની માનસિકતા દર્શાવે છે કે તે ખેડૂતોના આંદોલનને કેવી રીતે જુએ છે. ખેડૂત ત્રણ કાળા કાયદાઓ સામે પોતાનું રક્ષણ કરવા સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ સરકારને તેની કોઇ જ ચિંતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.