ગુંદાવાડી અને ગાંધીગ્રામમાં મહિલાના ગળામાંથી ચેન ઝુટવ્યા અને બે બાઇક ચોર્યાની કબુલાત
શહેરના ગુંદાવાડી અને ગાંધીગ્રામ વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરવાના ગુનામાં સંડોવાયેલા ગાંધીગ્રામના ભક્તિનગર પોલીસે રામનાથપરા સ્મશાન પાસે મેલડી માતાજીના મંદિર પાસેથી ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાવાડીમાંથી શિલ્પાબેન પીપળીયાના ગળામાંથી રૂ.૪૦ હજારની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ થયા બાદ ગાંધીગ્રામના જીવંતિકાનગરમાંથી રીટાબેન દિલીપભાઇ જોષીના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. બંને ચીલ ઝડપના ગુનામાં બાઇક પાછળ બેઠેલી મહિલા ચીલ ઝડપ કરતી હોવાથી પોલીસે અંગે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલા વર્ણનના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ વાંક, ભાવેશ મકવાણા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે રામનાથપરા સ્મશાન પાસેથી ગાંધીગ્રામના રવિ સુરેશ ચૌહાણ અને શિલ્પા બેચરભાઇ કુકડીયાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ બંને ચીલ ઝડપના ગુનાની કબુલાત આપી હતી.
ચીલ ઝડપ કરવા માટે બંનેએ એસ્ટ્રોન ચોક પાસેથી બાઇકની ચોરી કરી ચીલ ઝડપ કર્યાની અને આર્થિક ભીસના કારણે ચોરી કરતા હોવાની કબુલાત આપી છે. શિલ્પા કુકડીયા પરિણીત હોવાનું રવિ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોવાથી રવિ ચૌહાણ પોતાના લગ્નના આગલા દિવસે શિલ્પા કુકડીયા સાથે ભાગી ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.