અબતક,અરૂણ દવે,રાજકોટ: ગયા મહિનાની 12મી તારીખથી સતત ચાલતી કોકોનટ થિયેટરની ‘ચાય વાય અને રંગમંચ’ શ્રેણી-3માં દેશ વિદેશના કલારસિકો જોડાયને ગુજરાતી તખ્તા ટીવી શ્રેણી ફિલ્મોના જાણીતા કલાકારોને રોજ સાંજે 6 વાગે સોશિયલ મીડીયા ઉપર માણી રહ્યા છે. આ શ્રેણીનું અબતક મીડીયાના ફેસબુક ઉપર પણ 15 હજારથી વધુ લોકો લાઈવ જોઈ રહ્યા છે.
ગુજરાતી નાટકના જાજરમાન અભિનેત્રી અને અનેક સીરીયલોમાં અભિનય કરનાર અપરા મહેતા ગઈકાલે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3નાં મહેમાન બન્યા જેમનો વિષય હતો રંગભૂમિનો ચૌદ મહિનાનો વનવાસ આજે જ્યારે ચારે બાજુ મહામારી ફેલાઈ છે, નાટકો અને થિયેટરો બંધ છે, જે સંસ્થાઓ વર્ષે 7-8 નાટકો બતાડી પ્રેક્ષકોને મનોરંજન પૂરું પડતી એ સંસ્થાઓ શાંત છે ત્યારે 14 મહિનાથી નાટક ન ભજવ્યાનું દુખ તો થાય જ. તેમ જણાવેલ હતુ.
અપરા બેને પોતાના વિષય પર આગળ વાત કરતા જણાવ્યું કે 1991 માં સૌ પ્રથમ વાર એમણે રંગભૂમિ પર પગ મુક્યો હતો. નવમાં ધોરણમાં હતી ત્યારે નાટક સાસુની સવારીમાં અભિનય કર્યો હતો.મારા મમ્મી પણ એક્ટ્રેસ હતા એટલે એમની સાથે નાટકોમાં જતી અને નાટકો જોતી. દસમાં ધોરણના વેકેશનમાં દુરદર્શન માંથી સંતાકુકડી કાર્યક્રમ માટે એન્કરીંગ કરવાનો અનુભવ રોમાંચિત હતો. 1981મા ચંદ્રવદન મહેતા ભાઈનુંનાટક તન મન ધન કર્યું, ડાન્સ , સંગીત શીખ્યા અને 1981થી લઈને 1999 સુધી સતત નાટકો અને સીરીયલોમાં વ્યસ્ત રહ્યા. ક્યારેક માત્ર 4 થી 6 કલાકની ઊંઘ કાઢી અને શો કર્યા હતા. લગભગ 14 મહિનાથી આ બધું મિસ થાય છે. નાટકો,સ્ટેજ,લાઈટ્સ,મેકઅપ સાથી કલાકાર, દિગ્દર્શક આ બધા સાથે માત્ર મોબાઈલ પર વાતો થાય છે. પણ નાટક ક્યારે શરુ થશે એની ખબર નથી. આ કપરા સમયમાં કોકોનટ થિયેટરની ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ પ્રવૃત્તિ ખુબ જ સરાહનીય છે. એવું અપરા મહેતા કહે છે. આજે જ્યારે કોઈ બહાર નથી નીકળતું એવા સમયમાં ચાય વાય એન્ડ રંગમંચનાં માધ્યમથી રંગભૂમિના દરેક રંગકર્મી એકબીજાને અને ભારત તથા વિશ્ર્વમાં વસતા એમના માનવંતા પ્રેક્ષકોને પણ મળી શકે છે એમની સાથે વાત કરી શકે છે.
અપરાબેને વધુમાં જણાવ્યું કે લોકડાઉન માં બધા કલાકારો ઘરમાં રહ્યા પણ ઈશ્વર કૃપાથી હું ઘરમાં રહ્યા છતાં મારા અંદરના કલાકારને સતત બીઝી રાખું છું. અને ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે આવનારી પેઢી સાથે તાલ મિલાવી ઓડિયો પુસ્તક નું રેકોર્ડીંગ કરું છું. આજે જ્યારે લોકોને પુસ્તકો વાંચવામાં આળસ આવતી જાય છે ત્યારે આવનારી પેઢી માટે ઓડિયો પુસ્તક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દરેક નવલકથા, વાર્તા સંગ્રહ કે કથાઓ ઓડિયો બુકમાં સાભળવા મળશે. નવા નવા લોકો સાથે કામ કરવું અને સમય સાથે ચાલવું એ મને ગમે છે. 14 મહિના થયા અને હજુ કેટલા મહિના આ સમય જોવો પડશે એની ખબર નથી. પણ હિમ્મત હારવાથી કઈ નહિ થાય. ઘરમાં બેઠા બેઠા પણ કોઈ કામ સતત કરતા રહેવું પડશે. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં અપરા બેનનાં અનેક ચાહકો જોડાયાહતા.
‘અબતક’ સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે શ્રેણીનું લાઈવ પ્રસારણ
તમે જો બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 : 00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આજે અભિનેતા અને દિગ્દર્શક કપિલદેવ શુકલ
કોકોનટ થિયેટરની ચાલી રહેલી ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી ગુજરાતી તખ્તાને સંગમાં ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા સુરતનાં સુપ્રસિધ્ધ અભિનેતા અને જાણીતા દિગ્દર્શક કપિલદેવ શુકલા આજે સાંજે 6 વાગે કોકોનટના ફેસબુક સાથે અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર ‘રૂટીંગ થિયેટર સ્ટેજ પાછળનું ડાયરેકશન’વિષય ઉપર પોતાના અનુભવો વિચારો વાતો વાગોળશે. ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી જોડાયેલા કપિલ દેવ શુકલાએ ઘણા નાટકોમાં અભિનય અને દિગ્દર્શન પણ કરેલ છે.
ગત વર્ષે ‘ચમારના બોલે મામેરૂ’ નાટકનું સુંદર ડિરેકશન તેમણે કરેલ હતુ. ચિત્રલેખાની નાટય સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પણ સેવા આપે છે.સુરતમાં રંગભૂમિને જીવંત રાખવાની વિવિધ પ્રવૃત્તિમાં કપિલદેવ શુકલાનું વિશેષ યોગદાન છે. તેમણે ઘણા સુંદર નાટકનું લેખન પણ કરેલ છે.જેમાં ‘આખરની આત્મકથા’ ખુબજ સફળ રહ્યું હતુ. આજે સાંજે કપિલદેવ શુકલને સાંભળવાનું માણવાનું લાઈવ જોડાવાનું ચૂકશો નહી. આ સુંદર કાર્યક્રમમાં દેશ વિદેશનાં કલાકરસિકો જોડાયને મનોરંજન માણી રહ્યા છે.