તમામ નાના-મોટા ઈશ્યુનો નિકાલ થઈ ગયો, ટૂંક સમયમાં પોર્ટ કાર્યરત થશે: નીતિન ગડકરી
પાકિસ્તાનને બાયપાસ કરી વ્યાપાર-વાણીજય વિકસાવવા માટે ભારત સરકાર ઈરાનમાં ચાબહાર પોર્ટનું નિર્માણ કરી રહી છે. આ પોર્ટથી માલનું આદાન-પ્રદાન વધુ સુરક્ષીત છે. અફઘાનિસ્તાનમાં આ પોર્ટના માધ્યમથી તાજેતરમાં જ ઘઉંનો મોટો જથ્થો મોકલાયો હતો. મીડલ ઈસ્ટ સાથે જોડાવવા આ પોર્ટ અહમ ભૂમિકા ભજવી શકે તેવી આશા સેવાઈ રહી છે.
કેન્દ્રીય શીપીંગ મંત્રી નીતિન ગડકરીએ આ મામલે કહ્યું છે કે, ભારત અને ઈરાન ચાબહાર પોર્ટમાં વીન-વીન પોઝીશનમાં છે.
ચાબહાર પોર્ટના નિર્માણ મામલે નાનાથી મોટા તમામ પ્રકારના ઉકેલ લાવી દેવાયા છે. તાજેતરમાં જ કાર્ગો મારફતે ભારતે અફઘાનિસ્તાનને ૧ લાખ ૩૦ હજાર ટન ઘઉં મોકલ્યા હતા.
ચાબહાર પોર્ટના માધ્યમથી વેસ્ટર્ન કોસ્ટમાં ભારતે પાકિસ્તાનને બાયપાસ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સરળ અને સુરક્ષીત વ્યાપારનો પાયો નાખી દીધો છે.
અફઘાનિસ્તાનના માધ્યમથી સીધા રશીયા પણ જોડાઈ જવાશે. પરિણામે ધીમે ધીમે વિશ્ર્વના મોટાભાગના દેશોનું કેન્દ્રબિંદુ ચાબહાર પોર્ટ બની શકે છે.
ગડકરીએ કહ્યું હતું કે, ચાબહાર પોર્ટના વિકાસ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
ચાબહારમાં રોકાણ કરવા ભારતીય ઉદ્યોગકારો માટે મસમોટી તક છે. એવી જ રીતે ઈરાનના રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં પોર્ટનું કામ પૂર્ણ થઈ જશે. ભારત માટે આ પોર્ટ વિકાસ એન્જીનનો મહત્વનો ભાગ ભજવશે.
હવે રશીયા કે અફઘાનિસ્તાન સાથે જોડાવવા માટે પાકિસ્તાનની જરૂરીયાત રહેશે નહીં.