આઠેક શખ્સોએ ચોકીદારને કુહાડી અને ધારિયા બતાવી ધમકાવી ઓફિસની ચાવી મેળવી લૂંટ ચલાવી ફરાર
પાટણવાવ નજીક આવેલા મોટી મારડના વૃધ્ધાશ્રમમાં મોડીરાતે આઠ જેટલા ચડ્ડી બનીયનધારી ટોળકી ત્રાટકી રૂ.૬૪ હજારની રોકડની લૂંટ ચલાવી ફરાર થતા સનસનાટી મચી ગઇ છે. કુહાડી અને ધારિયા જેવા હથિયાર સાથે આવેલા લૂંટારાઓએ ચોકીદારને ધમકાવી ઓફિસની ચાવી મેળવી લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નાકાબંધી કરાવી લૂંટારાની ભાળ મેળવવા તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટણવાવ નજીક આવેલા મોટી મારડ ગામમાં નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આવેલા વૃધ્ધાશ્રમમાં રાતે એકાદ વાગે એક સાથે આઠ જેટલા ચડ્ડી બનીયનધારી શખ્સો કુહાડી અને ધારિયા જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા. વૃધ્ધાશ્રમના ચોકીદાર મુળજીભાઇ નાથાભાઇ નાણવદરીયા નામના ૭૦ વર્ષના વૃધ્ધને ધમકાવી તેની પાસેથી ઓફિસની ચાવી ઝુટવી કબાટમાં રાખેલા રૂ.૬૪ હજાર રોકડાની લૂંટ ચાલવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વૃધ્ધાશ્રમમાં અંદાજે ૩૦ જેટલા વૃધ્ધો વસવાટ કરે છે અને મુળજીભાઇ નાણવદરીયા ઘણા સમયથી ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. પીએસઆઇ ભોજાણી અને રાઇટર પ્રવિણસિંહ જાડેજા સહિતના સ્ટાફે વૃધ્ધાશ્રમના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા આદિવાસી જેવા જણાતા હોવાથી પોલીસે નાકાબંધી કરાવી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.