- ગુજરાતમાં અલગ અલગ વેપારીઓને ત્યાં કરચોરી પકડવા માટે GST વિભાગ દ્વારા દરોડા
- પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે
ગુજરાતમાં અલગ અલગ વેપારીઓને ત્યાં કરચોરી પકડવા માટે ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના અને સ્ક્રેપના ડીલર્સ વેપારીઓ ઉપર સર્ચ ઓપરેશન કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડાએ રાજ્યના વેપારી વર્ગમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડાઓમાં ઓઇલ અને સ્ક્રેપ જેવા વિવિધ ઉદ્યોગોના વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમજ પ્રાથમિક તપાસમાં 200 કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડાઈ હોવાનું બહાર આવ્યું છે, જે સૂચવે છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રાજ્યમાં વ્યાપકપણે ફેલાયેલી હોઈ શકે છે.
રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા કરાયેલ પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડામાં બોગસ ખરીદી બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તેમજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અધિકારીઓએ બિલો, બેન્ક ખાતા સહિત કમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના એક પૂર્વ ધારાસભ્યના ભાઈ અને તેમની પત્નીના નામે ચાલતી અમદાવાદમાં આવેલી કંપનીમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.
CGST વિભાગે જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોડાઉન ઉપર અને ઓફિસો પર દરોડા પાડયા હતા. તેમજ 3 દિવસ પહેલાં આણંદના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ સ્ટેટ GST અને વડોદરા GSTની ટીમે દરોડા પાડયા હતા. અધિકારીઓ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ, બિલ અને કમ્પ્યુટરના ડેટા ચકાસ્યા હતા. તેમજ આ તપાસમાં રૂ. 200 કરોડથી વધારેની ટેક્સ ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ દરમિયાન દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતાં. તેમજ દરોડામાં મળેલા ડોક્યુમેન્ટ્સ અને ડેટાની તપાસ ચાલી રહી છે, તે જોતાં કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે. આ દરોડાઓએ સરકારને કરચોરી રોકવા માટે વધુ કડક પગલાં ભરવા માટે પ્રેરિત કર્યા છે.