- ફાયર એનઓસી માટે રૂ. 3 લાખની કરી’તી માંગણી : બીજો હપ્તો લેતા જામનગર એસીબીએ રંગે હાથ પકડી લીધા
રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને રૂ. 1.80 લાખની લાંચ લેતા જામનગર એસીબીએ ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફાયર એનઓસી માટે રૂ. 3 લાખની લાંચ માંગ્યા બાદ રૂ. 1.80 લાખનો બીજો હપ્તો લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય બાબત છે કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા વિરુદ્ધ ગુનો નોંધાતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ભુજના ફાયર ઓફિસર અનિલ મારૂને રાજકોટ મનપાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, ત્રણથી ચાર દિવસ પૂર્વે જ મનપા કમિશ્નર દેવાંગ દેસાઈએ મારૂને ઠપકો આપ્યો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે, મ્યુનિસિપલ કમિશ્નરે તમારી ખુબ ફરિયાદો આવે છે, ધ્યાન રાખજો તેમ કહી સુધરી જવા તાકીદ કરી હતી પણ મારૂએ આ ઠપકાને ગણકારી ન હતી અને અંતે લાંચ લેતા ઝડપાયા હતા.
રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. અગ્નિકાંડમાં આઇ. વી. ખેર હાલ જેલમાં છે છતાં બેશરમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માગી હતી, જેનો બીજો હપતો 1.80 લાખ લેવા જતાં ઝડપાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે એનઓસી આપવા 3 લાખની લાંચ માગી હતી, જોકે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું.
જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની ફરિયાદ બાદ જામનગર એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતા જ જામનગર એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ફક્ત 43 દિવસ પૂર્વે જ રાજકોટ ખાતે કરાઈ’તી નિયુક્તિ
અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પોલીસ તપાસનું એપી સેન્ટર બની ગયું હોય તેમ સતત તપાસના ધમધમાટ વચ્ચે ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારુની ફક્ત 43 દિવસ પૂર્વે નિમણૂક કરી હતી. તાજેતરમાં મ્યુ. કમિશનર દેવાંગ દેસાઇએ રાજ્ય સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવા અને સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છના અનિલ મારુને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો છે. અનિલ મારુ સૌરાષ્ટ્ર-કચ્છના રીજનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
મારૂના ભાઈ-ભાભી પણ અગાઉ લાંચ લેતા ઝડપાયા’તા
અનિલ બેચર મારૂ અગાઉ ભુજમાં ફરજ બજાવતો હતો. અનિલની કામગીરી સતત વિવાદમાં રહી હતી. અનિલ બેચરના ભાભી કંકુબેન ભુજના કુકમા ગામના સરપંચ હતા ત્યારે વર્ષ 2021માં એક ઔદ્યોગિક બાંધકામ માટે આકારણી અને તેની મંજૂરી માટે ઉદ્યોગપતિ પાસેથી રૂ.4 લાખની લાંચ માગી હતી. ઉદ્યોગપતિએ પણ તે સમયે ભુજ એસીબીને જાણ કરી હતી અને છટકું ગોઠવાયું હતું. અનિલ મારૂના સરપંચ ભાભી કંકુબેન અને અનિલનો મોટો ભાઈ અમૃત મારૂ ભુજમાં ઉદ્યોગપતિ પાસે રૂ.4 લાખની લાંચ લેવા ગયા હતા અને લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીએ દંપતીને ઝડપી લીધું હતું.
મારૂએ મંજુર કરેલી 139 ફાયર એનઓસીની તપાસ કરાશે
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં નિમણુંક થયાં બાદ 43 દિવસના સમયગાળામાં મારૂએ કુલ 140 જેટલી ફાયર એનઓસી મંજુર કરી હતી. હવે ફાયર એનઓસી માટે જ લાંચ લેતા ઝડપાયા બાદ હવે મારૂએ મંજુર કરેલી તમામ ફાયર એનઓસીની ફરીવાર તપાસ કરવામાં આવનાર છે.