મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં 1 લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના માધ્યમથી યોગનો વ્યાપ જન-જન સુધી વિસ્તારવાની સંકલ્પના દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે.
મુખ્યમંત્રીએ 7માં વિશ્વ યોગ દિવસ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમારોહમાં યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા. આ પ્રસંગે રમત-ગમત યવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી, નિયામક મંડળના સભ્ય ભાનુભાઇ ચૌહાણ તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી. સોમ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં યોગ બોર્ડની રચના અને તે દ્વારા યોગના ઘરે-ઘરે પ્રસારનો અભિનવ પ્રયોગ દેશમાં ધ્યાન ખેચનારો બન્યો છે એમ પણ તેમણે કહ્યું હતું. યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીએ રાજ્ય યોગ બોર્ડની બહુવિધ પ્રવૃત્તિઓ અને યોગને જન સમુદાયની જીવનશૈલીનો રોજિંદો ભાગ બનાવવા પ3 હજાર ટ્રેનર્સ-યોગ કોચની ભૂમિકા સમજાવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે હવે તો બસ એક જ વાત-યોગમય બને ગુજરાત થીમ સોંગનું લોંચીંગ પણ કર્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે રાજયભરનાં યોગ ટ્રેનર્સ અને કોચનું સન્માન કરાયું હતુ.રાજકોટ કલેકટર કચેરી ખાતે સાસંદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા કલેકટર રેમ્યા મોહન નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા ગુજરાત રાજય યોગ બોર્ડના સભ્ય પ્રકાશ ટીપરેએ છેલ્લા એક વષ દરમ્યાન યાગેની ટ્રેનીંગ લીધેલા 10 કોચ અને 10 ટ્રેનર્સને સન્ફમાન પત્ર આપી બિરદાવ્યા હતા.
વોર્ડ નં.13 અને 15
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના 18 વોર્ડમાં 36 સ્થળો પર શહેર ભાજપ દ્વારા યોગા કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં શહેરના જાણીતા યોગ ગુરૂઓએ ઉપસ્થિત રહી યોગા કરાવેલ. ત્યારે શહેર ભાજપ અનુ. જાતી મોરચા દ્વારા વોર્ડ નં.13માં ડો.આંબેડકરનગર ખાતે અને વોર્ડ નં.15માં નવા થોરાળા, શેરી નં.5 ખાતે યોગા કાર્યક્રમ યોજાયેલ, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ.
જેતપુર શહેર ભાજપ
જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાની ઉપસ્થિતિમાં જેતપુર શહેર ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ 27 સપ્ટેમ્બર,2014ના રોજ યુ.એન.ની બેઠકમાં સૌથી પહેલા 21 જૂનને વિશ્વ યોગદિન તરીકે ઊજવવાની દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્તને 175 જેટલા દેશોએ તરફેણમાં પોતાનો મત આપ્યો હતો.
આજે આ મહામારીના સમયમાં લોકો પોતાના ધરેથી જ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે અન્ય લોકોને પણ માત્ર એક દિવસ નહીં પરંતુ હરહમેંશ પોતાના નિત્યક્રમમા સ્થાન આપવા પ્રોત્સાહિત કરી રહ્યા છે જે સમગ્ર દેશ માટે ખૂબજ ગરિમાપૂર્ણ બાબત ગણાવી શકાય.