એચપીસીએલ દ્વારા ભાવ વધારો કરવામાં આવતા હવે ઉદ્યોગકારોની આઈઓસી, અદાણી અને રિલાયન્સ ગેસ તરફ વળવાની તૈયારી
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસમાં એચપીસીએલ દ્વારા ટને રૂપિયા 3170નો વધારો જાહેર કર્યો છે. જેને પગલે હવે ઉદ્યોગકારોની આઈઓસી, અદાણી અને રિલાયન્સ ગેસ તરફ વળવાની તૈયારી કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી મંદીમાં ઘેરાયેલા મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. ઓઇલ કંપની એચપીસીએલ દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો ભાવ વધારો અમલી બનાવતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક કલસ્ટર મોરબી સિરામિક ઉદ્યોગને ઓગસ્ટ 2021થી મુખ્ય ઇંધણ એટલે કે પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં બમણો વધારો થતાં મુશ્કેલીનો સામનો કરવો પડતા સિરામિક ઉદ્યોગકારોએ સસ્તા ગેસના વિકલ્પરૂપે પ્રોપેન અને એલપીજીનો વપરાશ શરૂ કર્યો છે અને હાલમાં 70 ટકા જેટલા સિરામિક એકમો પાઇપલાઇન નેચરલ ગેસને બદલે પ્રોપેન અને એલપીજીનો વપરાશ કરી રહ્યા છે. પરંતુ પ્રોપેન ગેસમાં પણ પ્રતિ ટને રૂપિયા 3170નો ભાવ વધારો થતાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝને મંદીમાં વધુ એક માર પડ્યો છે.
દરમિયાન પ્રોપેન ગેસના સતાવાર ડીલર્સ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વોટ્સએપ મારફતે સંદેશો વહેતો કરી એચપીસીએલ કંપની દ્વારા 3170નો ભાવ વધારો થતાં કંડલાથી નવા ભાવ 59,500 અને મુન્દ્રાથી પ્રોપેનના નવા ભાવ 58,800 અમલી બનશે તેવું સ્પષ્ટ કર્યું છે. સાથે જ અન્ય પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પણ ટૂંક સમયમાં પ્રોપેન ગેસના ભાવમા વધારો કરનાર હોવાનું જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં હાલમાં 70 ટકા જેટલી સિરામિક ફેકટરીઓ પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. જો કે પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂપિયા 3170નો ભાવ વધારો થવા છતાં હજુ પણ પ્રોપેન ગેસ ગુજરાત ગેસના નેચરલ પાઇપલાઇન ગેસ કરતા 3થી 4 રૂપિયા સસ્તો હોવાનું સિરામિક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. બીજી તરફ હવે ઉદ્યોગકારો આઈઓસી, અદાણી અને રિલાયન્સ ગેસ તરફ વળવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.