વાયબ્રન્ટ ગુજરાત પૂર્વે વધુ એક પ્રિ ઇવેન્ટનું જીઆઇડીસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 19મીએ સિરામેક ઇવેન્ટ યોજાનાર છે. આ ઇવેન્ટમાં ઉદ્યોગકારો દ્વારા અંદાજે 1000 કરોડથી વધુ રકમના એમઓયું થાય તેવો અંદાજ છે.શાપર ખાતે ગઈકાલે અને આજે વાયબ્રન્ટ રાજકોટનું ધમાકેદાર આયોજન કરાયું છે. જેને ભવ્ય સફળતા સાંપડી છે.
વાયબ્રન્ટ ગુજરાત પૂર્વે વધુ એક પ્રિ ઇવેન્ટનું જીઆઇડીસી દ્વારા આયોજન : મોરબીના સિરામિક ઉદ્યોગ, એન્જીનીયરીંગ ઉદ્યોગ અને મશિનરી ઉદ્યોગને જોડવાની કવાયત
હવે જીઆઇડીસી દ્વારા આગામી તા.19ના રોજ વધુ એક ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાતની પ્રિ ઇવેન્ટ રૂપે જ જીઆઇડીસી દ્વારા હોટેલ રેજન્સી લગુન ખાતે સિરામેક ઇવેન્ટ યોજાનાર છે.
આ ઇવેન્ટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ, એન્જીનીયરીંગ ઉદ્યોગ અને મશનરી ઉદ્યોગો જોડાવાના છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વ ફલક ઉપર ચમક્યો છે. ત્યારે સિરામિક ઉદ્યોગની મશીનરી બહારથી આવતી હોય તે સ્થાનિક કક્ષાએ જ જરૂરિયાત મુજબ બને તેવા પ્રયાસો એન્જીનીયરીંગ ઉદ્યોગ અને મશીનરી ઉદ્યોગને સાથે રાખીને હાથ ધરવામાં આવનાર છે. વધુમાં આ ઇવેન્ટમાં એકથી દોઢ હજાર કરોડના એમઓયું થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.