લાખો રોકાણકારોના શ્વાસ અધ્ધર
કેનેડાની ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ કોટેનનું મોત થવાના કારણે રોકાણકારોના રૂ. 974 કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રિજ થઈ ગઈ છે. આ કરન્સીને અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો. કોટેનનું ડિસેમ્બરમાં મોત થયું હતું.
ક્વાડ્રિગાએ ક્રેડિટર પ્રોટેક્શનની માગણી કરી છે અને અનુમાન લગાવ્યું છે કે, અંદાજે રૂપિયા ૯,૮૨,૮૭,૨૨,૫૦૦ ની ક્રિપ્ટો કરન્સી ગાયબ થઈ ગઈ છે. આ કરન્સી અનલોક કરવાનો પાસવર્ડ ફક્ત કોટેન પાસે જ હતો.
ગત ડિસેમ્બર મહિનામાં ગેરાલ્ડ કોટેનનું આંતરડાની બીમારીને કારણે ભારતમાં મોત થયું હતું. કોટેનના મોત બાદ ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચવાના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. આ સમાચારથી લાખો રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
ગત સપ્તાહે ક્વાડ્રિગા ફર્મે કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અરજી દાખલ કરી ત્યારે અબજો રૂપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ ગઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ કરન્સી સંભાળવાની જવાબદારી ૩૦ વર્ષના કોટેન પર જ હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોટેનની પત્ની જેનીફર રોબર્ટસને જણાવ્યું છે કે, જે લેપટોપનો ક્વાડ્રિગા કંપનીના કામ માટે ઉપયોગ કરવામાં આવતો હતો તે એન્ક્રિપ્ટેડ છે અને જેનીફરને તેનો પાસવર્ડ કે રિકવરી બેકઅપ વિશે કોઈ જાણકારી નથી.
જેનીફરે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, સતત પ્રયત્નો કર્યા બાદ અને ઘણી જગ્યાઓએ શોધ્યા પછી પણ હું પાસવર્ડ સુધી પહોંચવામાં સફળ રહી નથી. ઉલ્લેખનીય છે કે, ક્વાડ્રિગા ફર્મ દ્વારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી શકાય છે. તે લોક થઈ જવાથી હવે કંપનીના ૧.૧૫ લાખ યુઝર્સ પર તેની સીધી અસર થઈ છે. કંપનીના ૩.૬૩લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કોટેનની પત્ની જેનીફરે કોર્ટ સમક્ષ આ તમામ માહિતી આપી છે.
દુનિયાભરના જાણીતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પણ આ ક્રિપ્ટો કરન્સીને અનલોક કરી શક્યા નથી. ક્રોનિક ડિસીઝના કારણે ડિસેમ્બર મહિનામાં કોટેનનું મોત થયું હતું. એ વખતે તે ભારતના પ્રવાસે હતા. કોટેન ભારતમાં અનાથ અને નિરાધાર બાળકો માટે કામ કરતા હતા. કંપનીના સોશિયલ મીડિયા પેજ પર જાણકારી આપવામાં આવી છે કે, ગેરાલ્ડ કોટેન ભારતમાં એક અનાથઆશ્રમ ખોલવા ઈચ્છતા હતા અને આ માટે જ તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા.