સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઈતિહાસને ઉજાગર કરતો ગૌરવશાળી કાર્યક્રમ: કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.ભારતીબેન પવાર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત- સશક્ત ભારત’ના નિર્માણ માટે નેમ હાથ ધરી છે: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત તમિલ ભગિની – બાંધવોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવીણ પવાર, ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી , ડો. ભારતીબેન પવારે જણાવ્યું હતું કે, સોમનાથની ધરતી પર થયેલા આક્રમણો બાદ અહીં વસતા લોકોને ભારે હૃદયે વિસ્થાપન કરવું પડ્યું હશે. સૌરાષ્ટ્રીય તમિલ બાંધવોએ સદીઓ વીતી ગઈ હોવા છતાં પોતાના રીતરિવાજમાં સૌરાષ્ટ્રને ધબકતું રાખ્યું છે.
ખાનપાન, ભાષા, સંસ્કૃતિની વિભિન્નતાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને તમિલના આ સંગમના કેન્દ્રમાં વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાના એક ભારત, શ્રેષ્ઠ ભારતનો ભાવ છે. આ કાર્યક્રમના આયોજન બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.
તેમણે પોતાના પ્રવચન દરમિયાન જાણીતા કવિ સુબ્રમણ્યમ ભારતીની કવિતાનો સંદર્ભ આપી અને વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો હતો. દેશી રજવાડાઓના એકીકરણ કરનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ આ ક્ષેત્રના 222 દેશી રજવાડાઓનો કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની ધરા પર વિલય કર્યો હતો. આ કાર્યક્રમ અનેક સદીઓ બાદ સોમનાથની પાવન ભૂમિ પર બે સંસ્કૃતિઓનો સંગમ છે.
આપણે સૌએ અમૃતકાળમાં એકતાના સંકલ્પ સાથે આગળ વધવાનું છે. યુવાનો માટે આ કાર્યક્રમ ઈતિહાસને ઉજાગર કરવાની તક છે. સોમનાથ અને રામેશ્વરમનો દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોકમાં સમન્વય જોવા મળે છે, જે સૌરાષ્ટ્ર અંને તમિલનાડુનું એક પ્રકારે સંગમ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આ સાથે વસુધૈવ કુટુંમ્બકમના સૂત્રને ચરિતાર્થ કરવા વિવિધતામાં એકતા અને સૌને સાથે લઈને ચાલવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોને આવકારતા કહ્યુ હતુ કે, આ કાર્યક્રમ દ્વારા તમિલથી આવેલા બાંધવોને ફરીથી તેમના સૌરાષ્ટ્રવાસી હોવાની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. વર્ષો જૂના સંબંધોને પુનજીર્વિત કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત સશક્ત ભારત” ની નેમને સાર્થક કરી છે.
‘ઓયિલટ્ટમ’, ગરબા, તલવાર રાસની પ્રસ્તુતિમાં તમિલ બાંધવો મન મૂકીને ઝૂમ્યાં
પ્રભાસ ભૂમિના મંચ પરથી સૌરાષ્ટ્ર-તમિલ સંસ્કૃતિનો અનોખો સમન્વય સર્જાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રી ભારતી ડો. પ્રવિણ પવારની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે કઠપૂતળીના શો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ તમિલનાડુના ગાયકો અને ગાયિકાઓએ દ્વારા તમિલનાડુના લોક ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નૃત્યાંગનાઓ દ્વારા ભરતનાટ્યમ દ્વારા શિવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમિલનાડુના લોક નૃત્યો ‘ઓયિલટ્ટમ’ની પ્રસ્તુતિ વેળા તમિલ બાંધવો અને ભગિનીઓ પણ ઝૂમી ઉઠ્યા હતાં, જેના લીધે સમગ્ર વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.સૌરાષ્ટ્રના પ્રાચિન ગરબાની પ્રસ્તુતિ વેળાએ તમિલ અને સૌરાષ્ટ્રનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં.
પેરિયા મેલમની પ્રસ્તુતિમાં પારંપારિક ઢોલના તાલે તમિલનાડુના ભાઈઓ બહેનો મન મૂકીને નાચ્યા હતાંત્યારબાદ સૌરાષ્ટ્રના લોકપ્રિય તલવાર રાસની પ્રસ્તુતિ થઈ હતી. કાર્યક્રમનાં અંતે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ઝાંખી કરાવતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા કલેકટર વઢવાણિયા ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ના યાત્રીકોની સફર એકતાનગર ખાતે પહોંચી
300 મહેમાનોનો પ્રથમ પડાવ 30 એપ્રિલ સુધી યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે
“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર – કેવડિયા ખાતે 300 યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી – 2 ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ, દુધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારી ઓ અને અધિકારી ઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો…. મજામાં છો…. બહુ મઝા આવી….. નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો.
સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા જોતાં જ “અરે વાહ …બ્યુટીફૂલ”ના શબ્દો તેમના મુખેથીસરી પડ્યા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રોડ – રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટુર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય- અકલ્પનીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી.
વડવાઓની ર્માં ભોમ પર પગ મૂકતાં જ તમિલ પરિવારોના મન મોર બની નાચી ઉઠ્યાં
મોંઘેરા મહેમાન અમ આંગણિયે ભલે પધાર્યા ભલે પધાર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત’ સંકલ્પના સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી સાકાર બની રહી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આજે ચોથા દિવસે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે મદુરાઈથી આશરે 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો આવી પહોંચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની ધરતી પર પધારેલા તમિલ પરિવારોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ રાજ્યમંત્રી મુળુભાઈ બેરાએ મીઠેરો આવકાર આપી તેમને વધાવી લીધા હતા.વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તમિલ પરિવારોએ પગ મૂકતાં જ સમગ્ર વાતાવરણ ઢોલ નગારાના હર્ષ નાદ અને શરણાઈના સૂરથી સુરમયી અને આનંદિત બની ગયું હતું. તમિલનાડુથી પધારેલા મોંઘેરાને મહેમાનોને કંકુ ચોખાના તિલક કરી પુષ્પોથી વધાવ્યા હતા.
પિતૃઓની પાવન ભૂમિ પ્રભાસતીર્થ પર પગ મૂકતાં જ તમિલ પરિવારોના મન જાણે મોર બની નાચી ઊઠ્યા હતા. પારંપારિક ગુજરાતી સંગીતના તાલે ગરબા લઈ તેઓ આનંદિત બન્યા હતા અને સોમનાથની પાવન ભૂમિને દંડવત પ્રણામ કર્યા હતા.પધારલે તમિલ પરિવારો સાથે રેલવે સ્ટેશન ખાતે વાર્તાલાપ કરતા મંત્રીશ્રી ભારતી પવારે જણાવ્યું હતું કે, સોમનાથની ધરતી પર પગ મૂકતાં મેં આજે ઘણા તમિલ પરિવારોની આંખોમાં ખુશીના આંસુ જોયા, જે દર્શાવે છે ભાષા ભલે અલગ, ભૂષા ભલે અલગ પણ મન એક છે. તમે ખાતા ધરાશો પણ અહીંના લોકો તમને ખવડાવતા નહીં થાકે એ અહીંની સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે નરેન્દ્રભાઈ મોદીએ આ સંસ્કૃતિને ઉજાગર કરી છે. આપણે આપણી આ એકતાનો સંદેશો વિશ્વને દેવાનો છે.
વધુમાં તેમણે સૌ તમિલ બંધુઓને આ ઐતિહાસિક ક્ષણની વધામણીઓ આપી હતી. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતની ધરા પર તમારું હાર્દિક સ્વાગત છે. નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી બે સંસ્કૃતિઓનું મિલન કરાવ્યું છે.રાજ્યમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતુ કે, આપણે સંસ્કૃતિઓના સંગમના આ સંદેશાને આગળ લઈ જવાનું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે ખરેખર સવિશેષ છે.
ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે તેમની આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી.
મહેમાનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકાસની દીર્ઘદ્રષ્ટિને સો સો સલામ કરી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાર્યક્રમના શુભારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્ર – રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારોનો જે પ્રેમભાવ મળ્યો છે તેનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ અને આ યાત્રાનો અવસર અને તમિલ સંગમ કાર્યક્રમ થકી સંસ્કૃતિ, કલા, વારસો, ભાષા, ભવ્ય ઇતિહાસ, બોલીને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ એક સ્વર્ણિમ પૃષ્ઠ બનીને રહી ગયું છે.
આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના ક્ધવીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રીકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું. આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી – 2 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.
રાષ્ટ્રની અખંડિતતાને જાળવવા અને તેના સંવર્ધન હેતુ દરેક સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે ભારત માતાના સંતાન સૌ એક છે ની ભાવના અહીં તાદૃશ્ય થઇ રહી છે. મંત્રી પટેલે, સંસ્કૃતિના જોડાણ થકી એકત્વના ભાવને યાદ કરતા માધવપુરના મેળા દ્વારા ઉત્તરપૂર્વીય રાજ્યોનું ગુજરાત સાથેના સાંસ્કૃતિક જોડાણનું ઉદાહરણ આપ્યું હતું. મંત્રી એ વધુમાં કહ્યુ કે, હું પણ સૌરાષ્ટ્રનો છું ત્યારે જાણે હું મારા બાંધવોને આવકારી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
સૌરાષ્ટ્રથી વિસ્થાપિત થવા છતાં પોતાની સંસ્કૃતિ, વારસા, રીત રિવાજો, કાર્ય પ્રણાલીને જાળવીને સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયએ દેશની સાંસ્કૃતિક-આર્થિક ઉન્નતિમાં યોગદાન આપ્યું છે. ત્યારે સમગ્ર ભારતમાં ભાઈચારાની ભાવના વધુ ગાઢ બને અને ભારત સર્વ વિકસિત દેશ બની પરમ વૈભવના શિખર પર બિરાજે તેવી આશા પણ મંત્રીએ આ તકે વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં નેતાઓ અને લોકો વચ્ચે ઓપન સેશન યોજવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સમુદાય દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સંયોજન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ શ્રી ડો. પંકજરાય પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમ સંબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.