કેન્દ્રની તપાસ સમીતીના આગમનથી મમતા ‘ગીન્નાયા’:
સરકારને 24 કલાક થઈ નથી ત્યાં તપાસ: મમતા
પશ્ર્ચિમ બંગાળમાં આઠ તબક્કાના મતદાનના અંતે વિધાનસભાની પૂરી થયેલી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ માટે ‘ગઢ આયા પણ સિંહ ગયા’ જેવી સ્થિતિમાં નંદીગ્રામની બેઠક પરથી ચૂંટણી હારી ગયા છતાં 2/3 બહુમતિના જોરે ત્રીજી વખત મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીની તૃણમુલ સરકાર સામે હવે ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસાની તપાસ મુશ્કેલીનું કારણ બનીને સામે આવી ગયું છે.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને આક્ષેપ કર્યો હતો કે, હજુ તો રાજ્ય સરકારને 24 કલાકનો સમય પણ વિત્યો નથી ત્યાં કેન્દ્ર તપાસ સમીતી અને પત્રો મોકલવા માંડી છે. પત્રકાર પરિષદ સંબોધતા મુખ્યમંત્રીએ ચૂંટણી બાદ થયેલી હિંસામાં માર્યા ગયેલા તમામના પરિવારને 2-2 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી.
ચૂંટણીપંચની દેખરેખ હેઠળ યોજાયેલી ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં જે 16ના મૃત્યુ થયા હતા તેમાં અડધો અડધ ટીએમસીના અને અડધા ભાજપના તેમજ એક સંયુક્ત મોરચાનો કાર્યકર હોવાનું તેમણે જણાવ્યું હતું. મમતા બેનર્જીએ કેન્દ્રના મંત્રી સામે પશ્ર્ચિમ બંગાળમાં હિંસા ફેલાવવાના નિમીત હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતા સમગ્ર રાજ્યમાં ઘુમી વળ્યા હતા. તેઓ લોકચુકાદાને માનવા તૈયાર નથી, હું તમામને વિનંતી કરૂ છું કે તે લોકચુકાદાને સન્માન આપે.
પશ્ર્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી બાદની હિંસાની તપાસ કરવા માટે કેન્દ્રની સમીતી મુખ્યત્વે પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાનું સાચુ કારણ અને સત્ય તપાસવા માટે આવી રહી છે ત્યારે મમતા બેનર્જીને આ તપાસ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ખેંચતાણનું પરિણામ હોવાનું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં થયેલી હિંસામાં દક્ષિણ 24 પ્રગણા, ગોડખલી, સુંદરવન અને જગદલ જિલ્લામાં હિંસા થઈ હતી. તેમાં તપાસ માટે આવેલી સમીતીના આગમનને લઈ મમતા બેનર્જીના પેટમાં તેલ રેડાયું છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, ટીએમસીના ગુંડાઓએ પક્ષના અસંખ્ય કાર્યકરોની હત્યા કરી દીધી છે. મહિલા સભ્યો પર હુમલા અને આગચંપી અને દુકાનોમાં લૂંટ ચલાવી હતી. જો કે મમતા બેનર્જીએ હિંસા માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પર લગાવાયેલા આક્ષેપને ફગાવી દીધા હતા અને બચાવ ર્ક્યો હતો કે, ભાજપના ઉમેદવારો જ્યાં જ્યાં જીત્યા છે ત્યાં તોફાનો થયા છે તેમાં તૃણમુલનો કોઈ હાથ નથી. પશ્ર્ચિમ બંગાળ હિંસાને લઈને કેન્દ્રીય ટીમ રવાના થતાં જ દીદીને ‘બૂ’ આવી ગઈ હતી.