મેડિકલ કોલેજ ડિન, તબીબી અધિક્ષક સહિત તંત્રના અધિકારીઓ સાથે કરશે ચર્ચા
કોરોના કોવિડ ૧૯ ની મહામારી ના પગલે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય ની ટિમ અને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતની ટિમ રાજકોટ કોરોના હોસ્પિટલની મુલાકાત લેવા આવશે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દર્દીઓની સારવાર થાય છે કે તેમ તેવા મુદ્દાઓ પર મેડિકલ કોલેજના ડિન, તબીબી અધિક્ષક અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરશે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરને રેડઝોનમાં સામીલ કર્યા બાદ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે કે કેમ તે ચકાસવા માટે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આરોગ્ય અને રાજ્યની આરોગ્યની ટિમ આજ રોજ રાજકોટ હોસ્પિટલ ની મુલાકાત લેશે. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના કોવિડ ૧૯ ના વિભાગની મુલાકાત માટે આવેલા કેન્દ્રીય આરોગ્યની ટિમ અને ગાંધીનગરથી પણ આરોગ્ય અધિકારીઓ સાથે હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, કલેકટર રેમ્યાં મોહન સહિતના અધિકારીઓ સાથે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ સારવાર અંગે ચર્ચા વિચારણા કરી સૂચનો પાઠવશે.
ભાવનગરમાં વધુ એક વૃદ્ધ નો રિપોર્ટ પોઝિટિવ : કુલ ૩૪ કોરોનાગ્રસ્ત
રાજ્યમાં પાંચ જિલ્લાઓને કોરોના વાયરસના પગલે રેડઝોન માં સમિલ કરવામાં આવ્યા છે. તેમાંના એક ભાવનગરમાં ગઈ કાલે મોડી રાતે વધુ એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશન ના કારણે પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે ભાવનગરમાં અત્યાર સુધી કુલ ૩૪ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગઈ કાલે કણબીવાડના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને ભાવનગરમાં આવેલી ૧૮ માસના બાળકે કોરોનાને મ્હાત આપી જીંદગી ની જંગ જીતી સહી સલામત ઘર વાપસી કરી છે.
ગુજરાતમાં કોરોના ૧૦૩ દર્દીઓને ભરખી ગયો
રાજ્યમાં વધુ ૨૨૯ કેસ પોઝિટિવ, વધુ ૧૩ ના મોત
રાજકોટમાં ૧૨ કલાકમાં તમામ ૨૧ નમુના નેગેટિવ
ગુજરાતમાં કોરોના કોવિડ ૧૯ની મહામરીના પગલે આરોગ્યતંત્ર સહિત તબીબો પણ જંગ લડી રહ્યા છે. પરંતુ રાજ્યમાં અત્યાર સુધી એક માસના સમયગાળા દરમિયાન ૧૦૩ લોકોને કોરોનાનો વાયરસ ભરખી ગયો છે. ગઈ કાલે કોરોનાગ્રસ્ત વધુ ૧૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વધુ ૨૨૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં જ વધુ ૧૨૮ પોઝિટિવ કેસ અને ૯ દર્દીઓના મોત નિપજ્યા હતા. જ્યારે રાજકોટમાં લેવાયેલા ૨૧ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાએ સંકજો વિકસાવ્યો હોય તેમ ગઈ કાલે વધુ ૧૩ કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ૧૦૦ને પાર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગત ૨૨મી માર્ચના રાજ્યનું પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું. એક માસના સમયગાળામાં મૃત્યુઆંક ૧૦૦ને પાર પહોંચતા દેશમાં મૃત્યુઆંક માં ગુજરાત બીજા ક્રમે આવી ગયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૨૪૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૦૩ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં એપિસેન્ટર તરીકે ઉભરાયેલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે અમદાવાદમાં વધુ ૧૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ ૯ લોકોને કોરોના ભરખી ગયો છે. અમદાવાદમાં જ અત્યાર સુધી કુલ ૧૫૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યના કુલ મૃત્યુઆંક ના ૫૦ ટકાથી પણ વધુ માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. અમદાવાદમાં રેપીડ ટેસ્ટ અને લોકલ ટ્રાન્સમિશન ના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ગઈ કાલે સવારે ૧૬ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ ૩૮ સેમ્પલ ની ચકાસણી માઈક્રો બાયોલોજી લેબમાં કરવામાં આવી છે. જેમાંના ૨૮ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે હજુ ૯ સેમ્પલના રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે. રાજકોટમાં હોટસ્પોટ જંગલેશ્વરમાં કોરોનાએ મહામારી સર્જી છે. શહેરના કુલ ૪૧ પોઝિટિવ દર્દીઓ માંથી ૩૦ દર્દીઓ માત્ર જંગલેશ્વર વિસ્તારના જ હોવાથી ત્યાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ૧૨ કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોધાયો નથી.