રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોરબી ખાતે સેન્ટ્રલ જીરતીની ટીમ 4 સિરામિક એકમો પર ત્રાટકી હતી. અને જરૂરી તમામ દસ્તાવેજો અંકે કર્યા હતાં . ત્યારે આ સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારો અને બોગસ બીલિંગ કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. મોરબીમાં આજે 4 સીરામીક ફેકટરીમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું અને આ 4 પેઢીમાંથી લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
લેપટોપ, સહિત તમામ ડિજિટલ ડેટા હસ્તગત કરી તપાસ આરંભી
મોરબી સિરામિક ઝોનમાં આલ્ફાન્સો, એક્યુઝા, એવેનઝર સહિતની 4 ફેકટરીમાં બેનામી વ્યવહારોની ફરિયાદ વચ્ચે આજે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય કબ્જે કરી દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. હજુ પણ આ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સેન્ટ્રલ જીએસટીની ટીમેં ચેકિંગ હાથ ધરી બેનામી વહેવારો અંગે તપાસ ચાલી રહી છે.
સેન્ટ્રલ જીએસટીના દરોડાથી સીરામીક આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જ્યારે દરોડા દરમિયાન અનેક સીરામીક ફેક્ટરીઓના તેમજ ટ્રેડિંગ કંપનીઓના નામ પણ જીએસટી વિભાગને હાથે લાગ્યા છે. જેના તાર આ પેઢીઓ સાથે સંકળાયેલા હોય સેન્ટ્રલ જીએસટીની સંપૂર્ણ તપાસ બાદ મોટા બેનામી વ્યહારો બહાર આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.