Abtak Media Google News
  • ખાટલે મોટી ખોટ
  • 1લી જુનથી નવા ડ્રાયવિંગ લાયસન્સના નિયમો બદલાશે પણ સૌરાષ્ટ્રના લોકોએ હજુ આરટીઓનો જ ‘આશરો’ લેવો પડે તેવો ઘાટ

દેશભરમાં 1લી જૂનથી નવા પરિવહન નિયમો (નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો 2024) લાગુ થવા જઈ રહ્યા છે. નવા નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ જવાની જરૂર રહેશે નહીં. આરટીઓને ટેસ્ટ આપ્યા વિના લાઇસન્સ આપવામાં આવશે. સરકાર ખાનગી પ્લેયર્સની ડ્રાયવિંગ સ્કૂલોને લાયસન્સ કાઢી આપવાની સતા આપવા જઈ રહી છે જેથી લોકોને હવે ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓનો ધક્કો ખાવો પડશે નહિ પરંતુ દુર્ભાગ્યવશ સૌરાષ્ટ્રના લોકોને આ નિર્ણયનો લાભ મળે તેવું સહેજ પણ લાગી રહ્યું નથી. સૌરાષ્ટ્રમાંથી લાયસન્સ કાઢી આપવાની સતા સાથેની ડ્રાયવિંગ સ્કૂલ ખોલવા માટે એક પણ અરજી થઇ નથી જેથી સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સ્કૂલના અભાવે લોકોએ હજુ આરટીઓ સુધી લાબું થવું જ પડશે.

નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભારતમાં નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. નવા નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ જવાની જરૂર રહેશે નહીં. આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના લાઇસન્સ આપવામાં આવશે.

નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ) ખાતે ટેસ્ટ લેવાની વર્તમાન જવાબદારી નાબૂદ કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનાર વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. સરકાર ખાનગી પ્લેયરને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અધિકૃત કરતું પ્રમાણપત્ર જાહેર કરશે.

હવે આ દિશામાં જયારે ખાનગી લોકો કે સંસ્થા સરકાર સમક્ષ અરજી કરે તો સરકાર અરજી પર વિચારણા કરીને મંજૂરી આપવી કે

નહિ તેનો નિર્ણય લેનારી છે પરંતુ દુર્ભાગ્યવશ સૌરાષ્ટ્ર આખામાંથી હજુ સુધી સરકાર સમક્ષ એક પણ અરજી જ નહિ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે જયારે કોઈએ આ દિશામાં રસ જ દાખવ્યો નથી ત્યારે વૈકલ્પિક ડ્રાયવિંગ ટેસ્ટ સેન્ટર બનવું અશક્ય થઇ જતાં લોકોએ હજુ પણ આરટીઓ સુધી લાબું થવું પડી શકે છે.

રાજકોટમાં અધિકૃત લાયસન્સ કાઢી આપવાની સત્તા ધરાવતી સ્કૂલ માટે એક પણ અરજી નહિ: આરટીઓ ખપેડ

રાજકોટ આરટીઓ અધિકારી કે એમ ખપેડે અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય આવકારદાયક છે. આ નિર્ણયના લીધે લોકોને ડ્રાયવિંગ લાયસન્સ માટે વિકલ્પ પ્રાપ્ત થશે. પરંતુ રાજકોટમાંથી હાલ સુધીમાં કોઈએ આ પ્રકારની ડ્રાયવિંગ સ્કૂલ માટે અરજી કરી હોય તેવું ધ્યાને આવ્યું નથી.

ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવાના નિયમો

* ડ્રાઇવિંગ સ્કૂલ ખોલનાર વ્યક્તિ પાસે ઓછામાં ઓછી 1 એકર જમીન (ફોર-વ્હીલર ટ્રેનિંગ માટે 2 એકર) હોવી જોઈએ.

* શાળાઓએ યોગ્ય પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરવી પડશે.

* પ્રશિક્ષકો પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા (અથવા સમકક્ષ) ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક્સ અને આઇટી સિસ્ટમ્સથી પરિચિત હોવા આવશ્યક છે.

તાલીમનો સમયગાળો કેટલો?

હલ્કા મોટર વ્હીકલ (એલએમવી)

4 અઠવાડિયાના 29 કલાક જેમાં થિયરીના 8 કલાક

અને પ્રેક્ટિકલના 21 કલાક.

ભારે મોટર વ્હીકલ (એચએમવી)

6 અઠવાડિયામાં 38 કલાક જેમાં 8 કલાકની થિયરી

અને 31 કલાક પ્રેક્ટિકલમાં વિભાજિત.

માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવા પર ભારે દંડની જોગવાઈ

હવે માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવું વધુ મોંઘુ થઇ જશે. અગાઉ લાયસન્સ વિના વાહન ચલાવવા માટે અગાઉ રૂ. 1 હજારનો દંડ વસુલાતો હતો જેને વધારીને 2,000 રૂપિયા કરવામાં આવશે. વધુમાં જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને/તેણીના માતા-પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે. વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ધારા-ધોરણોનું પાલન કરવું જમીની સ્તરે લગભગ અશક્ય જેવું: કુલદીપસિંહ જાડેજા

રાજકોટ મોટર ડ્રાયવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલા ધારા-ધોરણ અનુસાર એલએમવી માટે 29 કલાકની ટ્રેનિંગ આપવાની છે અને એચએમવી માટે 38 કલાકની ટ્રેનિંગ ફરજીયાત છે. ત્યારે 29 કલાકની ટ્રેનિંગ આપવા માટે અરજદારો પાસે ઓછામાં ઓછી રૂ. 20 હજારની ફી વસુલવી પડે જે અરજદારને પરવડે નહિ. ઉપરાંત એક એકર જમીન સહિતના ધારા-ધોરણોનું પાલન કરવા જતાં ડ્રાયવિંગ સ્કૂલ ખોલવા માટે અંદાજિત રૂ. 3 કરોડનો ખર્ચ થાય જે પોષાય નહિ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.