મુંબઇ, પઠાણકોટ અને પુલવામા હુમલાના આતંકીઓના નામ લિસ્ટમાં સામેલ
આતંકી પ્રવૃતિઓ અને મની લોન્ડ્રીંગ જેવા મુદ્દાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. તેમા પણ આતંકવાદીઓને પોષતો દેશ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ નથી આવતો. આ વચ્ચે કેન્દ્ર સરકારે આતંકવાદીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરી પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. સરકારે પાકિસ્તાનમાં બેઠેલા 18 આરોપીઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ યાદીમાં 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ્સ, 26/11 મુંબઇ એટેક, 2019 પુલવામા એટેક, 2016 પઠાણકોટ આઈએએફ બેઝ એટેક, 1999 આઈસી-814 ઇન્ડિયન એરલાઇન્સ હાઇજેક, મુજાહિદ્દીન હુમલો અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ આતંકવાદીઓનો સમાવેશ કરાયો છે.
સલાહુદ્દીન સહિતના આ આતંકવાદી આ યાદીમાં સામેલ
હિઝબુલ મુજાહિદ્દીનનો નેતા સૈયદ સલાઉદ્દીન, લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સઈદનો સંબંધી અબ્દુર રહેમાન મક્કી, જૈશ-એ-મોહમ્મદ ચીફ મૌલાના મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અસગર, આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનનો સ્થાપક રિયાઝ ભટકલ અને તેનો ભાઈ ઇકબાલ ભટકલ તેમજ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ભાઈ શકીલ અને ડી કંપનીના અન્ય બે મેમન અને જાવેદ ચિકનાનુ નામ પણ આ યાદીમાં છે.
આ અંગે સરકારે જણાવ્યું કે, “મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા તરીકે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવીને આજે વધુ 18 લોકોને આતંકવાદી જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે,અગાઉ ફક્ત સંગઠનોને જ આતંકી જાહેર કરી શકાતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019 માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 માં સુધારો કર્યો અને તેમાં વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ કરી.
ગત જુલાઈમાં 9 ખાલિસ્તાનીઓને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા
સપ્ટેમ્બર 2019 માં, મસૂદ અઝહર, હાફિઝ સઇદ, દાઉદ ઇબ્રાહિમ અને ઝાકી-ઉર-રેહમાન લખવીને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે યુએસ સ્થિત શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંઘ સહિત 9 ખાલિસ્તાની આતંકવાદીઓને આ વર્ષે જુલાઈમાં આતંકવાદી જાહેર કરાયા હતા.