મોડેલ એક્ટ થકી દેશની તમામ જેલોમાં અત્યાધુનીક સુવિધા ઉપલબ્ધ થશે: ગૃહમંત્રી
ગુજરાતમાં યોજાઈ રહેલી 6ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’નો ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, જેલ પ્રશાસનએ સમાજ વ્યવસ્થા જાળવવાનું મહત્વનું અંગ છે, ત્યારે જેલ સુધારણા અને તેના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય તે પણ એટલું જ જરૂરી છે. વર્તમાન કેન્દ્ર સરકારે જેલ સુધારણાને અગ્રીમતા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
આ ત્રિ-દિવસીય 6ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’માં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1031 જેલ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ 18 સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.
છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યૂટી મિટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ અમલી એવા જેલ મેન્યુઅલના બદલે વર્ષ-2016માં મોડેલ જેલ મેન્યુઅલ કાર્યાન્વિત કર્યું છે. જો કે દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેને અપનાવ્યું છે. દેશના તમામ રાજ્યો આ મોડેલ જેલ મેન્યુઅલ અપનાવે તો સુધારાત્મક બાબતો પણ સમાવાયેલા આ મેન્યુઅલથી કેદીઓના પુનર્વસનનો પરિણામલક્ષી અમલ થઈ શકશે.
કેન્દ્ર સરકાર આગામી 6 માસમાં મોડેલ એક્ટ લાવશે અને તેના પગલે દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. દરેક રાજ્ય અને જિલ્લામાં કોર્ટ દ્વારા કેસોના નિકાલ માટે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ એ સમયની માંગ છે. સાથે સાથે નારકોટિકસ તેમજ કટ્ટર ગુનાહિત માનસિકતા ધરાવતા કેદીઓને અલગ રાખવા જોઈએ.
જેલમાં વધુ પ્રમાણમાં કેદીઓ હોય તે સ્થિતિ ઉચિત નથી ત્યારે જેલ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ એમણે જણાવ્યું હતું.
આ મીટને બિરદાવતા અમિતભાઈએ કહ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમ એ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મહત્વનું એકમ છે ત્યારે આ એકમ દ્વારા યોજાયેલી મીટ જેલોના અધિકારી-કર્મચારીઓની સકારાત્મક પ્રતિસ્પર્ધા અને ખેલ ભાવના વિકસાવવાનું માધ્યમ બનશે. જેલનો દરેક કેદી જન્મથી ગુનેગાર હોતો નથી, પરંતુ સંજોગોવસાત આચરેલા ગુનાને કારણે જેલ ભોગવતો હોય છે. તેમની સાથેનો સદભાવનાપૂર્ણ વ્યવહાર પણ જરૂરી છે, એમ તેમણે ક્હ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પોલીસ દળના જેલ વિભાગ અને ભારત સરકારના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે.સાથે સાથે જેલ સુધારણાની પ્રવૃત્તિઓને વેગ આપવા સાથે દેશના રાજ્યોની જેલના અધિકારી-કર્મયોગી ભાઇઓ-બહેનો માટે કલ્યાણકારી અભિગમ પણ અપનાવ્યો છે. આ મીટ દ્વારા જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં સ્પિરિટ વિકસાવવા સાથે અનેકતામા એકતાનો ભાવ પણ ઊજાગર કરવાનો આ પ્રયાસ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે જેલમાં રહેલા કેદીઓ તેમજ તેમની દેખરેખ ‘રાખતા કર્મચારીઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને શાંતિમય માહોલ થકી જેલ સુધારણા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીએ આગવી પહેલ કરી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યની જેલોમાં અનેક પ્રભાવી સુધારા કરીને જેલોને સફળ તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરીત કરી છે. કેદીઓ માટે ઈ-મુલાકાત, ઈ-કોર્ટ, ઓડિયો લાઈબ્રેરી, જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી કેદીઓમાં સંસ્કાર પ્રસરાવવાની વિવિધ પ્રવૃતિઓને પ્રાધાન્ય આપ્યું છે.આ પ્રસંગે 50 કારાગાર પ્રશિક્ષણ નિયમાવલી તથા જેલ કોફીટેબલ બુકનું વિમોચન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યુ હતું.રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, બીપીઆરએન્ડડીના વડા બાલાજી શ્રીવાસ્તવ, ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જેલ અને સુધારાત્મકના વડા ડો. કે.એલ.એન. રાવ સહિત વિવિધ રાજ્યોના જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ 6ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022નું આયોજન ગુજરાત પોલીસના જેલ વિભાગ તથા બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ (ઇઙછઉ)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. પંદર વર્ષ પછી ગુજરાતને આ મીટ માટે ફરી યજમાન પદ પ્રાપ્ત થયું છે. આ મીટમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત 1031 જેટલા જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ વિવિધ 18 સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.6ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’માં કુલ 18 પ્રકારની સ્પર્ધાઓ યોજાવાની છે.