કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને નર્મદા કેનાલ નેટવર્ક પૂર્ણ કરવા ૭૩૦.૯૦ કરોડની લોન ઉપરાંત સરદાર સરોવર જાળવણી માટે ૭૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવી
રાજયની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને રૂ.૧૪૮૪ કરોડ લોન અને સહાયરૂપે ફાળવતા આગામી વર્ષ-૨૦૧૯ સુધીમાં સમગ્ર રાજયમાં સિંચાઈ માટેનું નર્મદા કેનાલ નેટવર્કનું કામ પૂર્ણ થવાની સાથે-સાથે સરદાર સરોવરની જાળવણી માટેની કામગીરી વેગવંતી બનશે.
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજયના સૌથી વિશાળ નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરની જાળવણી માટે રૂ.૭૩૦ કરોડ એઆઈપીબી પ્રોગ્રામ અંતર્ગત ગ્રાન્ટરૂપે ફાળવ્યા છે. આ અનુદાનના ઉપયોગ થકી રાજય સરકાર સરદાર સરોવરની જાળવણી માટેના જુદા-જુદા કામો હાથ ધરશે. આ ઉપરાંત સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડ રૂપિયાની લાંબાગાળાની લોન પણ મંજુર કરી છે.
વધુમાં નિતીનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, લાંબાસમયની ગુજરાત સરકાર દ્વારા નર્મદા કેનાલ નેટવર્કની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬ ટકાના દરે લાંબાગાળાની ૭૩૦.૯૦ કરોડની લોન મંજુર કરતા વર્ષ ૨૦૧૯ સુધીમાં નર્મદા યોજનાની સિંચાઈ કેનાલનું કામ પૂર્ણ થઈ જશે.
હાલમાં નર્મદા કેનાલ નેટવર્કનું કામ પુર ગતિમાં ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારની લાંબાગાળાની લોન થકી ૭૩૦.૯૦ કરોડનું ફંડ મળતા આ કામગીરી વધુ ઝડપી બનશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશના ૯૯ પ્રોજેકટ અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા માટે પસંદ કર્યા છે જેમાં નર્મદા પ્રોજેકટ પસંદ થવાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૪૮૪ કરોડની લોન અને સહાય મંજુર કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન મોદીનો આભાર માનવામાં આવ્યો હતો.