આર્થિક સર્વેમાં ૬.૫ ટકાના વિકાસ દરની ધારણા શુભ સંકેત: છતાં બેંક હડતાલ અપશુકન !
દેશની સવા અબજ જેટલી જનસંખ્યામાં ૮૦ કરોડ ગરીબોની અતિ કફોડી હાલત હોય તો વિકાસ કોનો ? જંગી રકમોનાં બજેટ છતાં ભૂખ-તરસની પીડા અને અર્ધનગ્નતા જેમના તેડા: શાસકોને સાંસદોને-ધરમકરમના થાંભલાઓને હાથપગ બાંધીને જનતાની અદાલતમાં ખડા કરવાનો અને હિસાબો માગવાનો સમય પાકી ગયો છે: હાલની કઢંગી નીતિ રીતિઓને હુતાશનની લાલપીળી જવાળાઓમાં હોમી દીધા વિના ૮૦ કરોડ ગરીબો સદી જૂનીપીડાનો અંત નહિ આવે: શબ્દ ભંભોટિયા ભાષણ ખોરોને જાકારો આપીને સીધાદોર નહિ કરાય ત્યાં સુધી બજેટો યશસ્વી નહિ બને અને રાંકની રાણીઓનાં અતિકરૂણ દ્રશ્યો જોવાનું બંધ નહિ થાય !
ગુજરાતના એક મજાના કવિ શ્રી ઈન્દુલાલ ગાંધીની એક કવિતા ‘બજેટ’ને ટાંકણે અહીં ટપકાવવા જેવી છે:
દીવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધુવે લુગડાં ભાણી
સાડલો ઓઢે ને ઘાઘરો ઘૂએ
ઘાઘરો ઓઢે ને સાડલો ઘૂએ
અંગે અંગ એના આયખામાંથી આબરૂ ચૂવે
લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી
ભાદરમાં ધૂવે લુગડાં ભાણી
કમખો તો મેલો દાટ કેદૂનો
કોણ જાણે એ કેટલો જૂનો…
માગી ત્રાગી કર્યો એકઠો સાબુ
કોડીવિનાની હું કેટલે આંબુ
જાણે ત્રોફાયેલ લૂગડાને
કેમ ઝીંકવા તાણી?
ભાદરમાં ધૂવે લુગડાં ભાણી…
કળકળતો શિયાળો.
ભાદરનાં ટાઢાંબોળ પાણી
લુગડાં ભીકાં, આયખું ભરાનું
પાણીનો પ્રવાહ વધ્યો, ભાણી મુંઝાણી
ટાઢ કહે મારૂ કામ… વધતી ગઈ.
ભાણીએ આકાશે ભગવાન સામે જોયું…
ઝપાટા બંધ ઉભી થઈ, ભીનાં પાણી, નીતરતાં લુગડાને પોટલે બાંધ્યા. ચાલી-દોડી કૂબા તરફ…
કવિ લખે છે-ઠેસ ઠેબાં ગડથોલિયા ખાતી…
દોડતી દોડતી, કાયા સંતાડતી
કૂબે આવતાં તો પટકાણી-રાંકની રાણી
ભાદરમાં ઘૂએ લુગડાં ભાણી…
દીવાળીના દિન આવતાં જાણી
ભાદરમાં ઘૂએ લુગડાં ભાણી
આજનાં બજેટમાં આપણા દેશની આવી ભાણીઓને યાદ કરીને એના સુખદુ:ખની પરવા નહિ કરનારા વિત્તમંત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, આર્થિક નીતિ ઘડતા સલાહકારો, સાંસદો, ગરીબોના બેલી હોવાના દાવા કરનારાઓ, દેશભકિતને નેવે મૂકીને નિજી સ્વાર્થ, ચૂંટણી અને રાજગાદીલક્ષી કાવાદાવા કરનારાઓ અને મોટરકાર, હેલિકોપ્ટર, વિમાનની, જાહોજલાલીમાં રચ્યાપચ્યા રહેનારા લંપટ રાજકારણીઓને આ દેશની ‘ભાણી’ ઓની અને ‘રાંકની રાણી’ઓની સામે ઉભા રાખીને પૂછવાનો સમય પણ પાકી ગયો છે કે,, ‘આ બધી શું તમારી બેન-દીકરીઓ નથી? જો તમારી બેન દીકરીઓ, પુત્રવધુઓ અને માતાઓની હાલત આપણાદેશની લાખો કરોડો ‘ભાણી’ જેવી હોય તો શું એમને જોઈને તમને તમારી આંખોમાં મરચાં ભરી દેવા સિવાય બીજું કાંઈ સુઝે ખરૂ? અને જો ન સૂઝે તો એવી આંખોને ફોડી નાખવી જોઈએ.
જે દેશ તે આઝાદ અને પ્રજાસત્તા હોવા છતાં તેની સવા અબજની જનસંખ્યામાંથી ૮૦ કરોડ લોકોને ગરીબાઈમાં સબડતા જોયા કરે એના શાસકોને કેવા ગણવા? એમને ‘માણસ’ કહેતાય શરમ આવવી જોઈએ.
એક લેખકે તેના લેખને મથાળે એવું લખ્યું હતુ કે, આ માણસને મારી જ નાખો કારણ કે એ માણસ મટી ગયો છે!…
આપણાદેશમાં એક મ્યુ. કોર્પોરેટર અને હોદો લઈને બેઠેલા નાગરિકે આંકડાઓની ઈન્દ્રજાળ અને ભ્રામક વચનોની ભરમાર સાથે આર્થિક કટોકટીને પહોચી વળવાનું નિશાન નોંધતુ બજેટ છે. એમ કહેવામાં ખોટા પડવાનો સંભવ છે.
આપણા દેશમાં ૮૦ કરોડ ગરીબો છે, લાખો ઈન્દુલાલ ગાંધીએ દર્શાવેલી ભાણીસમી રાંકની રાણીઓ છે, અગાઉ જેટલી જ ભૂખ-તરસની પીડા છે, શરમજનક અર્ધનગ્નતા છે. બેસુમાર અમલદારશાહી છે. માથાભારે વહિવટકર્તાઓ છે, અને આખા દેશને લૂંટતા રહેલા રાજકારણી લૂંટારાઓ છે. જેમને પૂરેપૂરા રોકી શકે એવા પ્રમાણિક અને પવિત્ર સાંસદો, ધારાસભ્યો, અમલદારો નથી, કાળા હાથ અને મતિભ્રષ્ટ મન બજેટ બનાવે અને તેઓ દેશની સર્વાંગી ઉન્નતિને ગરીબી દૂરૂ કરવાની ભાવનાને, તેમજ હડહડ થતી ગરીબ લલનાઓનાં ઉત્કર્ષને લક્ષમાં રાખવાને બદલે રાજકીય લાભાલાભનું નિશાન નોંધાતુ બજેટ બનાવે તે બજેટ કેવું નીવડે એ સમજી શકાય તેમ છે. તેના જ એક મહત્વના મતદાર-પત્રકારને તેની વારંવારની ફરિયાદ સાંભળીને અને પોતાના રહેણાંક વિસ્તારનાં અસંખ્ય લોકો કારમાં રોગચાળાનો ભોગ બનવાના જોખમને દૂર કરવાનો ન્યાયની રજૂઆતો સાંભળ્યા કરીને એવું કહ્યું હતુ કે કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ અમારૂ કહ્યું માનતા નથી, તમે કમિશ્નર -મેયરને આ વાત કહો… આ કોર્પોરેટર શાસક પક્ષના (ભાજપના) છે એટલે આ ઘટનાની ગંભીરતા વધે છે.
આપણા દેશની અહી દર્શાવેલી અને કવિ ઈન્દુલાલ ગાંધીએ કથેલી સત્યઘટનાનું કમનસીબ પાત્ર ‘ભાણી’ નો આ દેશ અને મતદારની ગંભીર ફરિયાંદને જોયા કરતા કોર્પોરેટરનો આ દેશ જો આખા વિશ્ર્વમાં જોટો ન મળે એટલો દયાજનક ગણાય તો અને પ્રજાસત્તાક કેમ ગણવો એવો સવાલ પણ પ્રજાજનો ઉઠાવી શકે ! ાજના કેન્દ્રીય બજેટને ઝીણી નજરે જોઈએ અને બારીક રીતે મૂલવીએ તો એમ કહેવું જ પડે કે એ આ દેશની આમ પ્રજાનું બજેટ નથી.
હાલની કઢંગી નીતિ રીતિઓને અને હતાશનની લાલપીળી જવાળાઓમાં હોમી દીધા વિના ૮૦ કરોડ ગરીબોની સદી જૂની યાતનાઓ અને પીડાઓનો અંત નહિ આવે…
જયાં સુધી શબ્દ ભંભોટિયા ભાષણખોરોને જાકારો આપીને ઘેર નહિ બેસાડાય ત્યાં સુધી આ દેશમાં સુવર્ણ યુગ નહિ જ આવે ?