મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતી વ્યવસ્થા અંગેની તૈયારીઓની કરશે સમીક્ષા
આજે કેન્દ્રીય ચૂંટણીપંચનું ગુજરાતમાં આગમન થયું છે. બે દિવસના રોકાણમાં ચૂંટણીપંચ ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરશે. ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જોતી ૧૧:૩૦ થી ૧:૦૦ દરમિયાન રાજકીય પક્ષો સાથે બેઠક યોજશે અને બપોરે ૨:૩૦ કલાકે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જોતી સહિતની ટીમ આજરોજ અમદાવાદ આવી પહોંચી છે. વિધાનસભા ચૂંટણી અંગેની તૈયારીઓની સમીક્ષા સહિત ગુજરાતની પરિસ્થિતિ જાણવા તેઓ રાજકીય પક્ષો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની સામાન્ય ચૂંટણી ૯મી ડિસેમ્બરે યોજાનાર છે. જયારે બીજી તબકકાની ૯૩ બેઠકોની સામાન્ય ચૂંટરી ૧૪મી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ઈલેકશન કમિશન ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ, આચારસંહિતાનું અમલીકરણ, મળેલી અને નિકાલ થયેલી ફરિયાદો, મતદાન કેન્દ્રો, મતદાર યાદી, ઉમેદવારોની સ્થિતિ, ઈવીએમ, વીવીપેટ સહિતની વ્યવસ્થા, કર્મચારીઓની ફાળવણી, ઓબ્ઝર્વરોની નિમણૂંક તેમજ કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલા પગલા સહિતની બાબતોની સમીક્ષા કરશે. આજરોજ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પંચ સવારે ૧૧:૩૦ રાજકીય પક્ષો સાથે બેઠક યોજશે જે બપોરે ૧ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ બપોરે ૨:૩૦ કલાકે પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.
આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જોતી પત્રકાર પરિષદને પણ સંબોધશે અને આવતીકાલે પંચ સીએસ અને ડીજીપી સાથે પણ મીટીંગ કરશે.