આઠ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરોની સમગ્ર કામગીરીનો ચિત્તાર મેળવીને સંતોષ વ્યક્ત કર્યો
ભારત ચૂંટણી પંચ નવી દિલ્હીના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી.જોશીની ઉપસ્થિતિમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 સંદર્ભે આજરોજ કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નર હૃદેશ કુમારે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા મતવિસ્તારની બેઠકોના જનરલ ઓબ્ઝર્વરો, પોલીસ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરો પાસેથી તેમને સોંપાયેલા વિધાનસભા મતવિસ્તારમાં થયેલી કામગીરી અંગે તલસ્પર્શી ચર્ચાઓ કરીને સમગ્ર કામગીરીનો ચિત્તાર મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ પ્રેઝન્ટેશન મારફત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં થયેલી કામગીરી અંગે વિગતવાર જાણકારી પુરી પાડી હતી તેમજ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામગીરીના આયોજન વિશે જણાવ્યું હતું. ઉપરાંત સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ લોકો અચૂક મતદાન કરે તે માટે થયેલા કામગીરી અંગે માહિતી આપી હતી તેમજ દિવ્યાંગ મતદાતાઓ માટે કરેલી પરિવહન સહિતની સુવિધાઓ વિશે માહિતીગાર કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, વી.વી.જ્યોત્સના, મિથિલેશ મિશ્રા, પ્રીતિ ગહેલોત, શિલ્પા ગુપ્તા, પોલીસ ઓબ્ઝર્વર એસ.પરિમાલા, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર અને રિટર્નિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી યોજી બેઠક
કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.બી. જોશી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. તેમણે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણી કામગીરી તેમજ તૈયારીઓનો ઝીણવટપૂર્વકનો તાગ મેળવ્યો હતો.
નાયબ ચૂંટણી કમિશનરે એમ.સી. એમ.સી. કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
સતત 24 કલાક ટેલિવિઝનમાં ઉમેદવારો દ્વારા થતા પ્રચાર પર દેખરેખ રાખતા: દિવ્યાંગ કર્મચારીઓની કામગીરીની સરાહના કરી નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશીએ કલેકટર કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી, તથા સતત 24 કલાક ત્રણ શિફ્ટમાં ટેલિવિઝનમાં ઉમેદવારો દ્વારા થતા પ્રચાર પર દેખરેખ રાખતા દિવ્યાંગ કર્મચારીઓની કામગીરીની મુક્ત મને સરાહના કરી હતી.
નાયબ ચૂંટણી કમિશ્નર હૃદેશ કુમારે કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત કર્મચારીઓની ફરજ નિષ્ઠાની ખાસ નોંધ લીધી હતી અને ઉમેર્યું હતું કે અન્ય સામાન્ય કર્મચારીઓની જેમ જ દિવ્યાંગ કર્મચારીઓ હોશભેર ચૂંટણી ફરજો નિભાવે છે, તે અન્યો માટે પણ પ્રેરણારૂપ છે. કંટ્રોલરૂમના કર્મચારીઓની દૈનિક જીવનચર્યા વિશે તેમણે રસપૂર્વક માહિતી મેળવી હતી અને કહ્યું હતું કે તમામ શારીરિક મર્યાદાઓની ઉપરવટ જઈને તેઓ જે ચૂંટણી ફરજો નિભાવે છે તે રાષ્ટ્રની ઉત્તમોત્તમ સેવા છે. તેમની સેવા બદલ સમગ્ર ચૂંટણી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ કંટ્રોલ રૂમની કામગીરીથી હ્રૃદેશ કુમારને માહિતગાર કર્યા હતા. કંટ્રોલરૂમના પહેલી શિફ્ટના સમગ્ર કર્મચારીઓ વતી પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ કર્મચારીઓના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તથા એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવ સોનલ જોશીપુરાએ હૃદેશ કુમારને કંટ્રોલ રૂમ ખાતે આવકાર્યા હતા તથા કર્મચારીઓ સાથે પરિચય કરાવ્યો હતો.
જનરલ ઓબ્ઝર્વરો સર્વ નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, વી.વી.જ્યોત્સના, મિથિલેશ મિશ્રા, પ્રીતિ ગહેલોત, શિલ્પા ગુપ્તા તથા પોલીસ ઓબ્ઝર્વર એસ.પરિમાલા, , નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર અને રિટર્નિંગ ઓફિસરો આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.