રજપુતપરા, એસ્ટ્રોન ચોક અને કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં ૧૭ મિલકતો સીલ: ૧૩ને મિલકત જપ્તીની નોટિસ
રૂ.૨૨૫ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે રૂ.૨.૮૮ કરોડનો બાકી વેરો વસુલવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયાને જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. આજે ન્યુ રાજકોટમાં ૧૭ મિલકતો સીલ કરવામાં આવી હતી અને ૧૩ બાકીદારોને મિલકત જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં જયુબીલી ચોક પાસે આવેલા પટણી બિલ્ડીંગમાં રૂ.૧.૮૮ કરોડનો બાકી વેરો વસુલવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના યુનિટને જયારે ભુપેન્દ્ર રોડ પર શાલીગ્રામ બિલ્ડીંગમાં રૂ.૧ કરોડનો વેરો વસુલવા માટે બેંક ઓફ ઈન્ડિયાના યુનિટને મિલકત જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત રજપુતપરામાં પેરેમાઉન્ટના સેલરમાં બે મિલકત, એસ્ટ્રોન ચોકમાં આનંદી ફલેટમાં એક યુનિટ અને કેનાલ રોડ પર બે કોમર્શીયલ યુનિટમાં બે મિલકત સહિત કુલ ૧૭ મિલકતો સીલ કરવામાં આવી છે. જયારે ૧૩ બાકીદારોને મિલકત જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. આજે બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા ૩૧.૯૦ લાખની વસુલાત કરવામાં આવી છે.
આજે વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વાવડી વિસ્તારમાં ૮ મિલકતો સામે સિલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી જે અંતર્ગત રૂ.૮૭.૧૯ લાખની વસુલાત થવા પામી છે. જયારે સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટને રૂ.૩૩.૭૦ લાખનો વેરો ભરવા તાકીદ કરતા તેઓએ બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો.