લોકસભામાં સરકારની સત્તાવાર જાહેરાત: સમગ્ર સૌરાષ્ટ્રને મળશે લાભ
રાજકોટ સહિત પુરા સૌરાષ્ટ્રને હવાઈ મુસાફરીનો લાભ મળે અને સૌરાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાય તે માટે શહેરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નિર્માણ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. હિરાસર પાસે બનનારા આ એરપોર્ટ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રાષ્ટ્રીયસ્તરની એરપોર્ટ ઓથોરીટીની ટીમો દ્વારા ગ્રાઉન્ડ લેવલ ઉપર તમામ પાસાઓની ચકાસણી કરી તેના રીપોર્ટ દિલ્હી પહોંચાડવામાં આવ્યા છે. જેમાં વિઝીબીલીટી રિપોર્ટ, સ્થળ ચકાસણી વગેરેનો સમાવેશ થાય છે.
રાજકોટના હિરાસરમાં બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો મળી રહેશે અને લોકો સરળતાથી અવર-જવર કરી શકશે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજકોટમાં બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને મંજૂરી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જયંત સિન્હાએ લોકસભામાં એક જવાબમાં કહ્યું હતું કે, ગત મે મહિનામાં સરકાર દ્વારા એરપોર્ટ માટેની કામગીરીને આગળ ધપાવવામાં આવી હતી અને જમીન ફાળવણી તેમજ બીજી કામગીરીઓ માટે નિર્ણયો લેવાના શ‚ કર્યા હતા.
અત્યાર સુધી એરપોર્ટ બનવાની જાહેરાત થઈ હતી પરંતુ હવે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે લોકસભામાંથી જાહેરાત કરી છે કે, રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.