ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક: ઇકો ટુરિઝમનું બેલેન્સ જાળવીને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પ્રેરક સૂચન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એશિયાટીક લાયનને જોવા વિશ્વભરના પ્રવાસીઓ વ્યાપક સંખ્યામાં આવે તેવી સુવિધાઓ વિકસાવવી જરૂરી છે.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે, સિંહ દર્શન તેમજ અન્ય વન્ય પ્રાણીઓના દર્શન માટે આવનારા પ્રવાસીઓને પરિણામે સ્થાનિક સ્તર સહિત સ્ટેટ ઇકોનોમીને બુસ્ટ મળે તેવા સંયુકત પ્રયાસો વન-પ્રવાસન જેવા વિભાગોએ કરવા જરૂરી છે.
મુખ્યમંત્રીએ બેઠકમાં પ્રેરક સૂચન કરતાં કહ્યું કે, રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરે. તેમણે ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું માર્ગદર્શન આપતાં એવું પણ સૂચન કર્યુ કે રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સેવાઓનું સામૂહિક સન્માન-પ્રોત્સાહનનો એક કાર્યક્રમ યોજવો જોઇયે.
તેમણે બાલાસિનોરના રૈયાલીમાં પ્રવાસન વિભાગે ડાયનાસોર પાર્ક તૈયાર કર્યો છે તેની નજીક પણ વાઇલ્ડ લાઇફ ટૂરિઝમ વિકસાવવા સૂચનો કર્યા હતા. વિજયભાઇ રૂપાણીએ કચ્છમાં બસ્ટાર્ડ ઘોરાડની પ્રજાતિના વિકાસ હેતુ રાજ્સ્થાનથી મેઇલ બસ્ટાર્ડ લાવવા માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની આગામી બેઠકમાં પ્રયત્ન-પરામર્શ કરવા પણ સૂચવ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ગીરના જંગલ વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં કામ કરતા ટ્રેકર્સ માટે તથા ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે આગામી ૧પ તારીખથી એક માસનો વિશેષ તાલીમ કાર્યક્રમ વન વિભાગ યોજવાનું છે. મુખ્યમંત્રીએ રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના ઝૂઓલોજી વિષયના તેમજ પ્રાણી- વનસ્પતિ શાસ્ત્રના બીએસસી, એમએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૪ માસ માટે પ્રોજેકટ કરવા માટે વન વિભાગ તરફથી અપાતી પરવાનગી ત્વરાએ અપાય તેમજ વન વિભાગ અને શિક્ષણવિદોનો આવી પરવાનગી સમિતિમાં સમાવેશ કરવા પણ સૂચન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિ સાથે સંકળાયેલા માનદ સભ્યોના સૂચનો પ્રત્યે પણ સકારાત્મકતાથી વન વિભાગ રાજ્ય સરકાર યોગ્ય વિચારણા કરશે તેમ આ બેઠકમાં જણાવ્યું હતું.