સરકારે 10 યુટ્યુબ ચેનલ અને 45 વીડિયોને પ્રતિબંધિત કર્યા
ભારતમાં ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરતી 10 યુટ્યુબ ચેનલોને સરકારે બ્લોક કરી દીધી છે. આ સિવાય ભારતમાં 45 વીડિયો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
જેવી રીતે ફિલ્મો માટે સેન્સરશીપ ખૂબ જરૂરી છે તેવી જ રીતે હવે આગામી દિવસોમાં સોશ્યલ મીડિયા પર અપલોડ કરાતા વિડીયો માટે પણ સેન્સરશીપ ફરજીયાત બનાવી દેવામાં આવે તો નવાઈ નહીં કારણ કે, કોમી વૈમનસ્ય ફેલાય તેવા ક્ધટેન્ટ સાથેના વિડીયો ખૂબ મોટી સંખ્યામાં સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવતા હોય છે ત્યારે હવે સેન્સરશીપ થકી આવા વિડીયો અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ કાતર ફેરવી નાખવા સરકાર સજ્જ થઈ છે. આગામી દિવસોમાં આઈટી એક્ટમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યુઝ ફેલાવવા તેમજ કોઇ પણ ધર્મ કે જાતિને લઇને મનફાવે તેમ વીડિયો બનાવીને શેર કરી દેવા જેવી ઘટનાઓ વધી રહી છે. જેને જોઇને સરકારે આ પગલું ભર્યું છે.ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે 10 યુટ્યુબ ચેનલોના 45 વીડિયોને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ ફેક ન્યૂઝ અને મોર્ફ કરેલા વીડિયો દ્વારા પાડોશી દેશો સાથેના સંબંધો ખરાબ કરી રહ્યા હતા. આ બધા વીડિયોને 1 કરોડ 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યા હતા.
નવ મહિના પહેલાં પ્રતિબંધ કરવામાં આવેલી યુ-ટ્યૂબ ચેનલોનું લિસ્ટ આ પ્રમાણે છે- ધી પંચ લાઈન, ઈન્ટરનેશનલ વેબ ન્યૂઝ, ખાલસા ટીવી, ધી નેકેડ ટ્રુથ, ન્યૂઝ 24, 48 ન્યૂઝ, કાલ્પનિક, હિસ્ટોરિકલ ફેક્ટ, પંજાબ વાયરલ, નયા પાકિસ્તાન ગ્લોબલ, કવર સ્ટોરી, ગો ગ્લોબલ, ઈ-કોમર્સ, જુનૈદ હલીમ ઓફિશિયલ, તૈયબ હનીફ અને જેન અલી ઓફિશિયલનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતી નયા પાકિસ્તાન ગ્રુપ (એનપીજી) પાસે યુ-ટ્યૂબ ચેનલ્સનું એક નેટવર્ક છે. તે સિવાય બીજી અમુક યુ-ટ્યૂબ ચેનલ પણ છે, જોકે તેનો એનપીજી સાથે કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ ચાલી રહી છે. આ ચેનલ્સના અંદાજે 35 લાખ સબ્સસ્ક્રાઈબર્સ, 55 કરોડ વીડિયો વ્યૂઝ છે. અમુક યુ-ટ્યૂબ ચેનલ્સ પાકિસ્તાની ન્યૂઝ એન્કર્સ દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે.