મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટની વિગતો મેળવશે : મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની
ખરેખર રાજકોટ શહેર માટે એ ગૌરવની વાત છે કે, ભારત સરકારશ્રીનું ૧૫ મું નાણાં પંચ આગામી તા. ૨૫મીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહયું છે. નાણાં પંચ દ્વારા માનનીય અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત માન. સદસ્યશ્રીઓ શક્તિકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશ ચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા તા.૨૨ થી તા. ૨૫ દરમ્યાન ગુજરાત ના પ્રવાસે આવી રહયા છે. આ ગુજરાત વિઝિટ દરમ્યાન નાણાં પંચે રાજકોટની પણ મુલાકાત લઇ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટની રૂબરૂ માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે તે સમગ્ર રાજકોટ અને મહાનગરપાલિકા માટે ખુબ જ હર્ષ અને ગૌરવની બાબત છે. નાણાં પંચને આવકારવા રાજકોટ મહાનગરપાલિકા તત્પર છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, ભારતનું નાણાં પંચ દેશના બંધારણની જોગવાઈ અનુસાર તેને પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ તમામ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ટેક્સની આવકની વહેંચણી, ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ, તેમજ રાજ્યોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીનના સંસાધનોની વૃદ્ધિ માટે જે તે રાજ્યને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારને ભલામણો કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્કીમ્સ, ડિઝાસ્ટરનો પ્રતિકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ગ્રોથ માટેના લક્ષ્યાંકો, અને ખર્ચની ગુણવત્તાનું મૂલ્યાંકનના આધાર પર રાજ્યને પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ માટે પણ ભલામણ કરે છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નાણાં પંચની ટીમ રાજકોટ મુલાકાત વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તા.૨૫-૭-૨૦૧૮ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે નાણાં પંચની ટીમ આજી-૧ જળાશયની મુલાકાત લેશે. ગુજરાત સરકાર દ્વારા “સૌની યોજના હેઠળ નર્મદાના નીર આજી-૧ ડેમમાં પહોંચાડી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાવી આપવામાં આવેલ છે. નાણાં પંચની ટીમ આજી-૧ ની મુલાકાત દરમ્યાન આ પ્રોજેક્ટની માહિતી પ્રાપ્ત કરશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ વાગ્યે નાણાં પંચની ટીમ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટ “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટ)ના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ સોની અન્ય આવાસ યોજનાની મુલાકાત લઇ તેના વિશે જાણકારી પ્રાપ્ત કરશે. સાથોસાથ રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, બી.આર.ટી.એસ. કોરીડોર સહિતના પ્રોજેક્ટની પ્રગતિ નિહાળી તેના વિશે માહિતી મેળવશે.
દરમ્યાન નાણાં પંચની રાજકોટ મુલાકાત દરમ્યાન બપોરે નાણાં પંચની ટીમના આતિથ્ય સત્કારરૂપે શહેરના મેયર બિનાબેન આચાર્ય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લંચનું આયોજન કરવામાં આવનાર છે.