ગ્રીનલેન્ડ ચોકડી અને માર્કેટીંગ યાર્ડ વચ્ચે બ્રીજ બનશે
સૌરાષ્ટ્રના પાટનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મતક્ષેત્ર એવા રાજકોટમાં વધતા જતાં ટ્રાફિક સામે શહેરની પ્રજાની સલામતીને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રસ્તા પહોળા કરી શહેરનું સુંદર રીતે ટાઉન પ્લાનિંગ થાય તેવા એક પછી એક આયોજન કરી રહી છે.
તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ અંગે સડક પરિવહન અને રાજમાર્ગ વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી સમક્ષ જેતપુર-ગોંડલ-રાજકોટ સિક્સલેન પ્રોજેક્ટની રજૂઆત કરેલ જે અનુસંધાને આવાજ એક વધુ આયોજનને કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમ સાથે જેતપુર-ગોંડલ-રાજકોટ સિક્સલેન પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યો છે.
ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગના પ્રધાન નીતિન ગડકરીએ આ અંગે એક પત્ર દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયાને રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ વચ્ચે સતત ટ્રાફિક રહેતો હોય જેતપુર-ગોંડલ-રાજકોટ સિક્સલેન સૂચિત યોજનામાં ગ્રીનલેન્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ વચ્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત સમાવિષ્ટ કરી દેવામાં આવી છે તેવી માહિતી આપી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી, ખાનગી લક્ઝરી તેમજ એસટીની બસોના મોટાભાગના મુસાફરો અહીંથી મુસાફરી શરૂ કરે છે. બીજુ અહીંથી રાજકોટમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોય સામાન્ય કરતા રસ્તો ક્રોસ કરવાવાળાની અવરજવર વધારે રહે છે. એટલું જ નહિ માર્કેટિંગ યાર્ડના વાહનો અને ખેડૂતોની પણ અવરજવર સતત ચાલુ રહેતી હોય છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખી સાંસદ મોહનભાઇ કુંડારીયાની કેન્દ્ર સરકારમાં કરેલી રજૂઆત સફળ રહી છે, જેને રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા ભાજપના હોદેદારો વગેરેએ સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા સાંસદ રમેશભાઈ ધડુકને રાજકોટ જિલ્લાની પ્રજાવતી અભિનંદન પાઠવ્યા હતા.