દિવાળીના તહેવાર ઉપર સામાન્ય લોકોને તેલ દઝાડે નહિ તે માટે કેન્દ્ર સરકારે હાથ ધરી કવાયત
અબતક, રાજકોટ : એક સમયે રાજકારણમાં પણ ઉથલ પાથલ સર્જનાર ખાદ્ય તેલ ઉપર કેન્દ્રએ વિશેસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભ્રષ્ટાચાર સાથે તેલીયા રાજાઓને પણ કાબુમાં લેવા કેન્દ્ર સરકારે રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યો છે. દિવાળીના પર્વ પૂર્વે જ સ્થિતિને સામાન્ય બનાવવા કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે.
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર ગ્રાહકોને રાહત આપવા માટે સંગ્રહખોરી રોકવાનો પ્રયાસ કરી રહી છે. ખાદ્યતેલોના ભાવમાં ઘટાડા અંગે કેન્દ્રએ ફરી રાજ્યોને આદેશો આપ્યા છે.
વધુમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ આજે સોમવારના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખાદ્ય તેલની કિંમતો અને સ્ટોરેજ લિમિટના ઓર્ડર ઉપર કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવા બેઠક યોજશે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ તમામ રાજ્યોને લખેલા પત્રમાં વિભાગે ગ્રાહકોની રાહત માટે અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની રૂપરેખા પણ આપી છે.
ખાદ્યતેલ અને તેલીબિયાંના સ્ટોકના મોનીટરીંગ માટે વેબપોર્ટલ બનાવાયુ
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ખાદ્ય તેલના ભાવ અને ગ્રાહકોને તેમની ઉપલબ્ધતા પર નજર રાખવામાં આવે છે. આગામી તહેવારોની સિઝનના સંદર્ભમાં આ કામગીરી સઘન બનાવવામાં આવી છે. ખાદ્યતેલોની માંગમાં વધારો થવાનો છે. સરકાર દ્વારા પહેલાથી જ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે તમામ રાજ્યો અને ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનો સાથેની ક્રિયા પ્રતિક્રિયાના આધારે સંગ્રહની માહિતી પ્રદાન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ એ સાપ્તાહિક ધોરણે દેશમાં ખાદ્ય તેલ અને તેલીબિયાંનો સ્ટોકના મોનીટરીંગ માટે વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
સંગ્રહ શક્તિનો બે મહિનાથી વધુ સ્ટોક ન રાખવાની સૂચના
વિવિધ રાજ્યો માટે ખાદ્ય તેલની માંગ અને વપરાશ ગ્રાહકોની પસંદગીઓ અનુસાર અલગ-અલગ હોય છે. જો કે, ખાદ્ય તેલ અને તેલીબિયાં માટે સંગ્રહ મર્યાદાના જથ્થાને આખરી ઓપ આપવા માટે રાજ્યો ખાદ્ય તેલ અને તેલીબિયાં માટે અગાઉની સંગ્રહ મર્યાદાની માહિતી લઈ શકે છે. કેન્દ્રએ કોઈ પણ રિફાઈનર, મિલર, જથ્થાબંધ વેપારીઓએનવગેરે બે મહિનાથી વધુ સમય માટે સંગ્રહ ક્ષમતાનો સ્ટોક રાખવો નહિ તેવો આદેશ પણ આપ્યો છે.
ભારત ખાદ્યતેલની જરૂરિયાતોના બે તૃતીયાંશ આયાત કરે છે
સરસવના તેલ સિવાય ભારત બીજા દેશોમાંથી અન્ય તેલની આયાત કરે છે. પામતેલ ઇન્ડોનેશિયા અને મલેશિયા, સોયા અને સૂર્યમુખી આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 35 થી 50 ટકાનો વધારો થયો છે. આયાત ડ્યૂટીમાં કાપ મૂકવા ઉપરાંત સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહખોરી અટકાવવા માટે પણ પગલાં લીધા છે. સરકારે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે ખાદ્ય તેલનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ સાથે સ્ટોક મર્યાદા લાદવાની અને મહત્તમ છૂટક કિંમત નક્કી કરવાની શક્યતાઓ અંગે પણ કામગીરી હાથ ધરી છે.