સોશિયલ મીડિયાના અતિરેક વચ્ચે મીડિયાના નામે ચરી ખાતા તત્ત્વો ઉપર ગાળીયો કસાશે
ભારતના સંવિધાનમાં લોકોને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે. પરંતુ અભિવ્યક્તિની આઝાદી દરમિયાન કેટલીક મર્યાદાઓ સોશિયલ મીડિયામાં ઓળંગાઈ જતી હોવાનું વારંવાર સામે આવે છે. સોશિયલ મીડિયાનો અતિરેક વાતાવરણ ડહોળી રહ્યો છે. સ્વતંત્ર્તાના નામે તિરસ્કૃત ભાષાનો ઉપયોગ કરવો, જ્ઞાતિ-જાતિ પ્રત્યે હડધુત કરવા કે અફવા ફેલાવા સહિતના દૂષણો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. બીજી તરફ મુખ્ય મીડિયાની સ્વતંત્ર્તા ઉપર પણ પ્રશ્ર્ન ઉભો થયો છે. અત્યારે મીડિયાના નામે સોશિયલ મીડિયામાં ચરીખાતા અસામાજિક અથવા તો બની બેઠેલા મીડિયા પર્સન ઉપર ગાળીયો કસવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્યોને તિરસ્કૃત કે, જ્ઞાતિ-જાતીનું વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયા પર તૂટી પડવા રાજ્યોને ફરમાન કર્યું છે.
એક સમય એવો હતો કે, મીડિયાનું મોરલ-મર્યાદા હતી. ૧૯૮૦ના સયમગાળામાં તો મોટા સમાચારપત્રો હિન્દુ-મુસ્લિમ શબ્દ પણ વાપરતા નહોતા. કોઈ એક કોમના લોકો એમ કરીને સંબોધતા હતા. પરંતુ ધીમીગતિએ કેટલીક મર્યાદાઓ ઓળંગાઈ છે. અધુરામાં પૂરું સોશિયલ મીડિયાએ તિરસ્કૃત ભાષા મુદ્દે તમામ સરહદો ઓળંગી દીધી છે. સોશિયલ મીડિયામાં આવા દૂષણને રોકવું સરકાર માટે સહેલું નથી. જે રીતે સોશિયલ પ્લેટફોર્મની જવાબદારી છે તેવી જ રીતે સરકાર કે, ન્યાય પ્રણાલીકાની જવાબદારી પણ આવી બાબતો રોકવાની છે. પરંતુ સોશિયલ મીડિયા બાબતે વિશ્ર્વની તમામ સરકારોનો પન્નો ટૂંકો પડે છે. આવી બાબતોને ડામવામાં ૧૦૦ ટકા સફળતા તો ક્યારેય મળી જ નથી.
તાજેતરમાં જ ભાજપના નેતા રાજાસિંઘની ફેસબુક પોસ્ટ બદલ તેમને ફેસબુકે બ્લેક લીસ્ટ કર્યા હતા. તેમની પોસ્ટમાં એક ખાસ કોમ સામે એલફેલ શબ્દો બોલવામાં આવ્યા હતા. વર્તમાન સમયે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાના નામે લાંછન લગાવવું અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. આ બાબતે સરકાર ધીમીગતિએ મક્કમ પગલા લઈ રહી છે. સોશિયલ મીડિયામાં યુ-ટયુબ, ફેસબુક સહિતના પ્લેટફોર્મ ઉપર રજિસ્ટ્રેટ થયા વગરના તત્ત્વો મીડિયાના નામે ખોટા ક્ધટેઈન ચડાવતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી કેન્દ્ર સરકારે રાજ્યોને સોશિયલ મીડિયા ઉપરની તિરસ્કૃત ભાષા કે જ્ઞાતિ-જાતિના વૈમનષ્ય ફેલાવતા ક્ધટેઈન્ટ પર તૂટી પડવા ફરમાન કર્યું છે.