નોટબંધી બાદ સમગ્ર દેશમાં સૌથી વધુ જાલી નોટ ગુજરાતમાં ઝડપાઈ
નોટબંધી બાદ સમગ્ર દેશમાંથી ૧૩.૮ કરોડ રૂપિયાની જુદા-જુદા દરની જાલી નોટો ઝડપાઈ છે. જેમાં એકલા ગુજરાતમાંથી ૫.૯૪ કરોડ રૂપિયાની જાલી નોટો મળી આવી હોવાનું સરકારે લોકસભામાં સ્વિકારતા ગુજરાત જાલી નોટનું કેન્દ્ર બન્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.
લોકસભામાં કેન્દ્રીય મંત્રી હંસરાજ ગંગારામ આહિરના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ રજુ કરવામાં આવ્યા હતા. આ આંકડાઓ મુજબ નોટબંધીના સમય બાદથી લઈ ૩૦ જુન ૨૦૧૮ સુધીમાં દેશમાંથી કુલ ૧૩.૮૭ કરોડ રૂપિયાનું જુદા-જુદા દરની જાલી નોટો ઝડપાઈ હોવાનું જણાવાયું હતું. આ પૈકી એકલા ગુજરાતમાંથી ૫.૯૪ કરોડ રૂપિયાની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હોવાનું પણ જણાવાયું હતું.
વધુમાં સરકાર દ્વારા જણાવાયું હતું કે, કેન્દ્ર અને રાજયોની સુરક્ષા એજન્સી દ્વારા નકલી નોટો ચલણમાંથી ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જાલી નોટ પકડાવવાના કિસ્સામાં કડક કાનુની પગલા ભરી ૧૯૬૭ના નિયમ મુજબ આતંકવાદી કૃત્ય ગણી પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું પણ ઉમેરાયું હતું.
ઉલ્લેખનીય છે કે દેશમાં ફરી રહેલ મોટાભાગની જાલી નોટો બાંગ્લાદેશ અને પાકિસ્તાન દ્વારા નેપાળ માર્ગે ઘુસાડાતી હોવાનું પણ બહાર આવ્યું છે અને નોટબંધી બાદ દેશમાંથી ઝડપાયેલી જાલી નોટો પૈકી ૫.૯૪ કરોડ ગુજરાતમાંથી રૂ૨.૧૯ કરોડ ઉતરપ્રદેશમાંથી, પશ્ચિમ બંગાળમાંથી ૨ કરોડ અને મીઝોરમમાંથી ૧ કરોડ રૂપિયાની જાલી નોટો ઝડપાઈ હોવાનું સરકાર દ્વારા સતાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.