કેન્દ્રીય ગૃહમંત્રી અને એનઆઈએની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો મહ્ત્વનો નિર્ણય
જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસનમાં લશ્કરને મળેલા છૂટાદૌર બાદ આતંકીઓને ઝેર કરવા ઠેર ઠેર ઓપરેશન કરી આતંકીઓનો ખાત્મો બોલાવવામા આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આતંકી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા નાણા પૂરા પાડતા અલગતાવાદીઓને ફરતે ગાળીયો કસવા રણનીતિ ઘડી કાઢી છે.
કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને વેગ આપવા અલગાવવાદી નેતાઓ દ્વારા યુવકોને ભરમાવી નાણાકીય લાલચ આપવામાં આવતી હોવાની વાત જગજાહેર છે. ત્યારે આવા ઘરના ઘાતકીઓને ઝેર કરવા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રનાં ગૃહ વિભાગનાં સેક્રેટરી રાજીવ ગૌળા, એનઆઈએના ડાયરેકટર જનરલ યોગેશ ચંદ્ર મોદી અને ઈડીના એન્ફોર્સમેન્ટ ડાયરેકટર કર્નલસિંઘે આ મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અને આતંકીઓના આકા ફરતે સકંજો કસવા રણનીતિ ઘડી કાઢી હતી.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસન દરમિયાન આતંકી પ્રવૃત્તિ સાથે આડકતરી રીતે જોડાયેલા ઘરના ઘાતકીઓ સામે ગુન્હા નોંધવાનું શરૂ કર્યુ છે. તો એન.આઈ.એ દ્વારા તાજેતરમાં દિલ્હીની ખાસ અદાલત સમક્ષ ખૂંખાર આતંકવાદી હાફીઝ સઈદ અને સઈદ સલાઉદીનને સંડોવતા એક કેસમાં જમ્મુ કાશ્મીરમાનાં ૧૦ અલગાવ વાદીઓના નામ ખૂલતા તેમની સામે પણ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લશ્કરે તોઈવા અને હિઝબુલ મુજાહીદીન સાથે ધરોબો રાખવા બદલ જમ્મુ કાશ્મીરનાં સઈદશા ગીલાની, અલ્તાફ અહેમદ શાહ, બશીર અહેમદ બટ, આફતાબ એંહમદ શાહ, હુરીયત કોન્ફરન્સના નઈમ અહેમદ ખાન ફારૂક અહેમદ ડાર, સહિતનાઓનાં સંડોવણી એન.આઈ.એ. દ્વારા ખૂલ્લી પાડવામાં આવી છે.
આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડાયરેકટર દ્વારા પણ જમ્મુ કાશ્મીરમાં હવાલા મારફતે નાણા પહોચાડવાનાં ડઝન બધ્ધ કેસોમાં આતંકીઓનાં આકાઓ ફરતે ગાળીઓ કસી મનીલોન્ડરીંગ એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.