કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેસ વધતા મૃત્યુ દરમાં પણ ઝડપભેર વધારો થતાં સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાત સહિત અમુક રાજ્યને બાદ કરતા હજુ પણ દેશના ઘણાં રાજ્યોમાં કેસની ખતરનાક ગતિ યથાવત છે. કરોનાની આ બીજી લહેરને રોકવા દેશમાં લોકડાઉન જરૂરી બન્યું હોય તેમ સ્થિતિ ઉભી થઈ છે. આ માટે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી જરૂર પડે તો લોકડાઉન લાદવાના કેન્દ્ર સરકારને દિશા નિર્દેશ આપ્યા છે. પરંતુ દેશમાં ફરી પહેલા જેવું
સંપૂર્ણ લોકડાઉન તો નહીં જ લદાઈ તેમ સરકારી સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ અગાઉ ઘણી વાર નાણા મંત્રાલય સહિત ગૃહ મંત્રાલય પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન તો નહીં જ લાગે !! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં આ અંગે ઉલ્લેખ કરી લોકડાઉનને અંતિમ વિકલ્પ જ ગણવાનું રાજ્યોને સૂચન કર્યું હતું. જો કે દેશમાં ફરી લોકડાઉન લદાય કે ન લદાય.. આમાંથી ગુજરાત તો બાકાત જ રહેશે. જે રાજ્યમાં હજુ કોરોનાનો ભરડો યથાવત છે એવા રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ લોકડાઉન લાદશે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે સમગ્ર દેશમાં રિકવરી રેટ પણ ગુજરાત રાજ્યમાં જ વધુ છે આથી લોકડાઉન ન લદાય તેવી શકયતા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંપૂર્ણ લોકડાઉનથી દુર છે. દેશવ્યાપી લોકડાઉન લાદવાની શક્યતા નથી, તેમ છતાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણની સાંકળ તોડવા અને ફેલાવાને રોકવા માટે કડક પગલા લેવા અને કસ્ટમાઇઝ થયેલ લોકડાઉન લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ 10 કરતાં વધુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન જેવા જ કડક નિયમો લાગુ છે.