રાજકોટના હીરાસરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે કેન્દ્રની કેબિનેટે મંજૂરી આપેલ છે. આ એરપોર્ટને રૂ.૧,૪૦૫ કરોડના ખર્ચે બનનાર છે. આ નિર્ણય કરવા બદલ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજુર કરવામાં પ્રયત્નશીલ રહેલ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનેલ.
રાજકોટનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્પેશિયલ પર્પઝ વ્હીકલથી તૈયાર કરવામાં આવશે તેમજ આ માટે ગત મહિને વાઇબ્રન્ટ સમિત વખતે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટ અંગે એમ.ઓ.યુ પણ થયેલ છે. ૧૦૨૫.૫૪ હેકટરની એરપોર્ટની જામીનમાં ૨૫૦ એકર ગ્રીન ઝોન તરીકે, ૫૨૫ એકરમાં મુસાફરોની સુવિધા અને ૨૫૦ એકરમાં એવિએશન પાર્ક બનાવશે. પર્યાવરણની બાબતો ધ્યાનમાં રાખી, ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. તેમ અંતમાં પદાધિકારીઓએ વધુમાં જણાવેલ.