- 2025ની વસ્તી ગણતરી અંદાજે 35,000 ચો.કિમી.ને આવરી લેશે: 1,500 થી 2,000 ફિલ્ડ કર્મચારીઓ દ્વારા કરાશે કામગીરી
એશિયાટિક સિંહો ગૂજરાતની શાન ગણાય છે. સિંહોના કારણે રાજ્ય જગમશહૂર છે. ત્યારે સિંહોની જાળવણીના ભાગ રૂપે સિંહોની વસ્તીની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી મે 2025 ના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે વન વિભાગ વસ્તી ગણતરી પ્રક્રિયામાં ટેક્નોલોજીનો સમાવેશ કરવાની યોજના ધરાવે છે, ત્યારે તેઓ અંતિમ વસ્તી અંદાજ માટે પરંપરાગત બીટ કાઉન્ટ અથવા બ્લોક કાઉન્ટ પદ્ધતિ જાળવી રાખશે.
પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ, નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “હવામાનની સ્થિતિના આધારે વસ્તી ગણતરી મે મહિનાનાના પ્રારંભમાં હાથ ધરવામાં આવશે. પ્રક્રિયા સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સિંહોની ગણતરીની વાત આવે ત્યારે બીટ કાઉન્ટ પદ્ધતિ શ્રેષ્ઠ છે. “વાઘમાં, પૂંછડી પર પણ હોય તેવા પટ્ટાઓ પરથી તેમને ઓળખવું સરળ છે. જો કે, સિંહોમાં, એવી કોઈ ઓળખ નથી કે જેનાથી તેમને ઓળખવામાં સરળતા રહે.”
2020માં ગુજરાતમાં સિંહોની વસ્તી 674 હતી, જે 2015ની 523ની ગણતરી કરતાં 28.9% વધારે છે. 2025 ની વસ્તી ગણતરી અંદાજે 35,000 ચોરસ કિલોમીટરને આવરી લેશે, જે 2020 માં સર્વેક્ષણ કરાયેલ 30,000 ચોરસ કિલોમીટરમાંથી વિસ્તરણ છે. આ ગણતરી સમગ્ર સૌરાષ્ટ્રના 13 વહીવટી વન વિભાગોને આવરી લેશે, જેમાં ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, અને જુનાગઢ, ભાવનગર, પોરબંદર સહિતના વિવિધ ફોરેસ્ટ ડિવિઝનનો સમાવેશ થાય છે. તે 2020 જેવું જ કવરેજ જાળવી રાખશે, જેમાં માત્ર દેવભૂમિ દ્વારકા અને કચ્છ વિસ્તારોને બાદ કરતાં બાકીના સૌરાષ્ટ્રને આવરી લેવામાં આવશે.
1,500 થી 2,000 ફિલ્ડ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં ભાગ લેશે, વ્યક્તિગત ઓળખ ચિહ્નો, ૠઙજ સ્થાનો, રેડિયો કોલર નંબર્સ, ડિજિટલ ફોટોસ અને વસ્તી સંખ્યા સહિતનો વિગતવાર ડેટા એકત્રિત કરશે અને તેને ઇ-ગુજફોરેસ્ટ સિસ્ટમ સાથે સંકલિત કરશે.
વસ્તી ગણતરીની પદ્ધતિ :
વર્તમાન વસ્તી ગણતરી પદ્ધતિ તેની શરૂઆતથી નોંધપાત્ર રીતે વિકસિત રહી છે. રાજ્યના વન વિભાગે 1968 થી 1995 સુધી જીવંત બાઈટીંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જે પાછળથી 2000ની વસ્તી ગણતરીમાં પ્રાણીઓની ક્રૂરતાની ચિંતાને કારણે બંધ કરવામાં આવી હતી. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અથવા બ્લોક કાઉન્ટ પદ્ધતિ, 2000 માં અપનાવવામાં આવી હતી, જે વસ્તી ગણતરી વિસ્તારને જંગલોની અંદર અને જંગલ વિસ્તારની બહાર ગામડાના ક્લસ્ટરોમાં વિભાજિત કરે છે. આ અભિગમ પ્રમાણમાં ખર્ચાળ અને ઓછો સમય લેતો અભિગમ છે, આ ઉપરાંત ઓછા માનવબળની જરૂર અને નવી ટેકનોલજી માટે અનુકૂલનક્ષમ હોવા માટે વખાણવામાં આવે છે. આ પદ્ધતિ એશિયાટિક સિંહની વસ્તી પરના સંશોધન માટે પ્રમાણભૂત સાબિત થઈ છે.