મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક મહત્વનો અને રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી આ કર્મીઓને પણ કોરોના વોરિયર્સ ગણવામાં આવશે. આથી હવે સ્મશાનગૃહના કર્મચારીઓને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય ચૂકવવામાં આવશે.
ફરજ દરમિયાન કોરોનાથી નિધન થાય તો પરિવારજનોને
રૂ.25 લાખની સહાયનો સરકારનો સંવેદનશીલ નિર્ણય
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ ઝડપથી વધતા મૃત્યુઆંક પણ વધ્યો હતો. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ સારવાર માટે લાઈનો લાગી હતી તો આ સાથે સ્મશાનોની બહાર પણ લાંબી કતારો જોવા મળતી હતી. મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયા બે બે, ત્રણ ત્રણ દિવસ બાદ થતી હતી. જિંદગીના અંતનો છેલલો વિસામો ગણાતા આ સ્થાન પર કર્મચારીઓ રાત દિવસ કાર્યશીલ રહી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવતા ત્યારે આ કામગીરીને બિરદાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય કરી આ વર્ગને પણ કોરોના વોરિયર્સ તરીકે માન્યતા આપી છે. અને તેમને મળતા બધા લાભો આપવાની પણ જાહેરાત કરી છે.