આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંમેલન યોજાયું
સાયલીના તિરંગા મેદાનમાં ગઈકાલે આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંમેલન યોજાયું હતું. સાયલી, રખોલી અને બાલદેવી એમ ત્રણ ગામના ૪ હજાર જેટલા કાર્યકર્તાઓએ હાજરી આપી સંમેલનને મહાસંમેલનમાં ફેરવ્યું હતું. આ મહાસંમેલનમાં સંબોધન કરતા પ્રદેશના પૂર્વ સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ મોહનભાઈ ડેલકરે કાર્યકર્તાઓને નવા જોશ અને ઉમંગ સાથે કાર્ય કરવા આહવાન કર્યું હતું.
પ્રદેશના ઉજવળ ભવિષ્ય માટે કાર્યકર્તાઓ સજાગ અને સચેત થાઓ. છેલ્લા ૩૦ વર્ષથી શિસ્તબધ્ધ સંગઠનને અધિક શક્તિશાળી અને મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે. જેનાથી અધિકારની લડાઈ સ્વમેળે લડી ન્યાય મેળવી શકાય છે. પ્રદેશમાં આદિવાસી વિકાસ સંગઠન એક મોટો પરિવાર છે.
સ્વાર્થ અને સોદાબાજીની દાનતથી સંગઠનો ઝડપથી વેરવિખેર થઈ જવાના અનેક ઉદાહરણો છે. સંગઠનના સંચાલકોની નિયત ચોખ્ખી હોવી જોઈએ તે અમે સાબીત કરી બતાવીએ છીએ. છેલ્લા ૮-૯ વર્ષથી પ્રદેશમાં ધંધા અને રોજગારની ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યકત કરતા મોહનભાઈ ડેલકરે જણાવ્યું હતું કે, પ્રદેશમાં મોટી અને ગંભીર સમસ્યા છે.
આ સ્થિતિ સામે આપણે સૌએ બદલવાનું છે. પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ જવાબદારીઓ ઉઠાવે. કોઈપણ પરિસ્થિતિ અને પડકારનો સામનો કરવા હું તૈયાર છું એવી ભાવના મોહનભાઈ ડેલકરે વ્યકત કરી હતી.
આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવીત, ડો.ટી.પી.ચૌહાણ, અભિનવ ડેલકર, સાયલીના સરપંચ ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુ વરઠા, રખોલીના સરપંચ ચંપાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ચંદનબેન પટેલ, બાલદેવીના કાઉન્સીલર ચિમન પટેલ, સાયલીના મધુભાઈ પટેલ, પ્રભુભાઈ પટેલ, દિપક પ્રધાન સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓ અને યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.