મુંબઈમાં અતિભારે વરસાદનાં કારણે સતત બીજા દિવસે શાળા-કોલેજોમાં રજા જાહેર: લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા બીએમસીની તાકીદ: રેડ એલર્ટ જાહેર

આવતીકાલ સુધી અતિભારે વરસાદની આગાહી: પંડાલોમાં ખુદ વિઘ્નહર્તા જ વિઘ્નમાં: સિઝનનો અધધ…૧૧૨ ઇંચ વરસાદ: ભાંડુપમાં છ ઇંચ વરસાદથી પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં પણ આભ ફાટયું: વલસાડનાં વાપીમાં ૧૨ ઈંચ, પારડીમાં ૧૦ ઈંચ, ઉમરગામમાં ૬ ઈંચ, નવસારીનાં ગણદેવીમાં ૬ ઈંચ, સુરતનાં ઓલપાડમાં ૬ ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ: તંત્ર એલર્ટ

સતત ધમધમતા એવા દેશનાં આર્થિક મહાનગર મુંબઈને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. આકાશી આફતનાં કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર મેઘકહેરમાં પરીવર્તીત થઈ જવા પામી છે. છેલ્લા ૩ દિવસથી સતત પડી રહેલા અનરાધાર વરસાદનાં કારણે મુંબઈમાં સતત બીજા દિવસે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુખ્ય રાજમાર્ગો અને ટ્રેક પર કેડસમા પાણી ભરાયા હોય સલામતીનાં ભાગરૂપે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગણેશ પંડાલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય ખુદ વિઘ્નહર્તા જ વિઘ્નમાં મુકાઈ ગયા છે. મુંબઈ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો હોય તેમ વલસાડનાં વાપીમાં એક જ રાતમાં ૧૨ ઈંચ અને પારડીમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. શુક્રવાર સુધી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચોમાસાની સીઝનમાં મુંબઈમાં ૧૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. મુંબઈવાસીઓ ફરજીયાતપણે ઘરમાં પુરાવા મજબુર બની ગયા છે.

મહાનગરી મુંબઈમાં ગત મંગળવાર રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બે દિવસમાં ૨૦ ઈંચથી પણ વધુ વરસાદ વરસી જતા સતત ધમધમતું એવું મુંબઈ આકાશી આફતનાં કારણે શાંત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ગઈકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાયા બાદ આજે સતત બીજા દિવસે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે ટ્રેન સેવા, બસ સેવા અને હવાઈ સેવા પર પણ અસર પડી છે. મુંબઈથી અમદાવાદ તરફ આવતી અનેક ફલાઈટ રદ કરવામાં આવી છે તો અનેક મોડી કરવામાં આવી છે. મુંબઈથી ઉપડતી અનેક ઈન્ટરનેશનલ ફલાઈટને રદ કરવાની ફરજ પડી છે. આગામી ૨૪ કલાક સુધી હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય બીએમસી દ્વારા અગત્યનાં કામ સિવાય લોકોને ઘરની બહાર ન નિકળવા પણ સતત ત્રીજા દિવસે તાકીદ કરવામાં આવી છે. શાળા-કોલેજો ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી એવી લોકલ ટ્રેન સેવા સતત બીજા દિવસે પણ બંધ રહેવા પામી છે. રોડ પર કેડસમા પાણી ભરાયા છે તો રેલવે ટ્રેક પર પણ બે-બે ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હોય મુંબઈગરાઓ ફરજીયાતપણે ઘરમાં પુરાઈ રહેવા મજબુત બન્યા છે. ફિલ્મ અભિનેતા, ઉધોગપતિનાં ઘર પાસે પણ પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

celestial-disaster-in-mumbai-and-south-gujarat-103-rainfall-in-the-state
celestial-disaster-in-mumbai-and-south-gujarat-103-rainfall-in-the-state

હાલ દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ ખુબ જ શાનદાર રીતે ઉજવાતો હોય છે. ગણેશ મહોત્સવ સમયે જ મેઘરાજાએ મુંબઈને ધમરોળી નાખ્યું છે. ગણેશ પંડાલોમાં પણ કેળસમાણા પાણી ભરાતા ખુદ વિઘ્નહર્તા વિઘ્નમાં મુકાઈ ગયા છે. હજી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથો સાથ દરિયામાં પણ હાઈટાઈડની ચેતવણી અપાઈ છે. હવે મુંબઈવાસીઓ મેઘરાજાને ખમૈયા કરવા માટે રિતસર વિણવી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં ૧૧૨ ઈંચથી પણ વધુ વરસાદ વરસી જતા સતત ૩જી વખત મહાનગરી મુંબઈ મેઘતાંડવથી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશને વિશ્ર્વ આખા સાથે જોડતું મુંબઈ છેલ્લા બે દિવસથી જાણે સંપર્કવિહોણું બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. હવાઈ સેવા, બસ સેવા, ટ્રેન સેવા ખોરવાઈ જવા પામી છે. આખું મુંબઈ પાણી-પાણી થઈ ગયું હોય દેશની આર્થિક રાજધાનીની સ્થિતિ હાલ વરસાદી આફતમાં ખુબ જ દયનીય બની જવા પામી છે. શહેરનાં નિચાણવાળા વિસ્તારથી લઈ અતિ પોશ ગણાતા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સામાન્ય નાગરિકથી માંડી ટોચનાં ઉધોગપતિ, રાજકીય નેતા અને ફિલ્મ અભિનેતાઓની હાલત કુદરત સામે લાચાર જેવી બની જવા પામી છે. સવારથી મુંબઈમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બહાર નિકળવાનું તો ઠીક લોકો પોતાનાં એપાર્ટમેન્ટમાંથી પણ નીચે ઉતરી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નવા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

celestial-disaster-in-mumbai-and-south-gujarat-103-rainfall-in-the-state
celestial-disaster-in-mumbai-and-south-gujarat-103-rainfall-in-the-state

મુંબઈ સાથે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને પણ ધમરોળી નાખ્યું છે. ગત મધરાતે જ દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વલસાડનાં વાપીમાં ૧૨ ઈંચ, પારડીમાં ૧૦ ઈંચ, ઉંમરગામમાં ૬ ઈંચ, વલસાડમાં ૬ ઈંચ, ધરમપુરમાં ૫ ઈંચ, કપરાડામાં ૪ ઈંચ વરસાદ પડયો હતો. નવસારી જિલ્લાનાં ગણદેવીમાં ૬ ઈંચ, ખેરગામમાં ૩ ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, ચીખલીમાં દોઢ ઈંચ, સુરત જિલ્લાનાં ઓલપાડમાં ૬ ઈંચ, સુરતમાં ૨ ઈંચ, તાપી જિલ્લાનાં વાલોદમાં અઢી ઈંચ, ભરૂચનાં વાગરામાં ૪ ઈંચ, ભરૂચ, હંસોટ અને અંકલેશ્ર્વરમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં ગત મધરાતે ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં આજ સુધીમાં મોસમનો ૧૧૪.૪૫ ટકા વરસાદ પડી ગયો છે.

ગુજરાતમાં આ વર્ષે ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. આજે રાજયમાં ૧૦૩.૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં સૌથી વધુ ૧૨૫.૮૬ ટકા, ઉતર ગુજરાતમાં ૮૨.૯૫ ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૯૮.૪૧ ટકા, સૌરાષ્ટ્રમાં  ૯૪.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૪.૪૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજી રાજયમાં ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજયમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ પડવાનો વર્ષો જુનો રેકોર્ડ તુટે તેવી પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.