‘વહાલુડીના વિવાહ’માં કાલે કાળજુ ધોવાનો અવસર
રાજકોટને આંગણે આગામી તા.ર૧ અને રર ના રોજ ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે ઐતિહાસિક જાજરમાન લગ્નોત્સવ થવા જઇ રહ્યો છે. શહેરીજનોમાં ચર્ચાનો વિષય બનેલ વહાલુડીના વિવાર પ્રસંગે ‘દિરકાનું ઘર’ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તા. ર૧/૧૨ શનિવાર ના રોજ બી.એ.પી.એસ. સ્વામી નારાયણ હોલ, કાલાવડ રોડ ખાતે રાત્રીના ૭.૩૦ કલાકથી સૌરાષ્ટ્ર ગુજરાતનું લોકસાહિત્યનું ધરેણું માયાભાઇ આહિરનો ‘દિકરી વ્હાલનો દરીયો’ કાર્યક્રમનું બેનમુન આયોજન કરવામાં આવેલ છે. દીકરી ઉપર સૌરાષ્ટ્રના નામ-અનામી અસંખ્ય લેખકોએ ઘણું બધું લખ્યું છે. આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પાત્ર દીકરી છે. જાણીતા કવિ અનીલ જોશીના શબ્દોમાં કહીએ તો પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ બન્ને ભેગા થાય અને આકાશમાં ચડે અને એની વાદળી બંધાય અને એ વાદળી અનરાધાર વરસે એનું નામ દીકરી પરંતુ જાણે અજાણ્યે કુદરત પણ કયારેય પણ કયારેય અન્યાય કરતો હોય તેમ અચાનક દીકરી ઉપરથી તેની પિતાની છત્રછાયા હટી જાય અને દીકરી લાચાર બની જાય તેવા સમયે સમાજ આવી દીકરીને ભાઇ-બાપ બનીને આનંદ કિલ્લોલથી સાસરે વળાવે એનાથી રૂડો અવસર બીજો કયો હોઇ શકે. ‘દિકરાનું ઘર’એ આ બીડું ઝડપ્યું છે. બી.એ.પી.એસ. સ્વામી નારાયણ હોલમાં ઉ૫સ્થિત જનમેદની દીકરીઓ મહિમા સાંભળી જાણે કાળજુ ઘોવાનું અવસર હોય તેવા માયાભાઇ આહીર દ્વારા ભાવ પ્રગટ થશે. પરિવાર સાથે માણવા જેવા આ પ્રસંગમાં શહેરીજનોને ઉમટી પડવા દીકરાનું ઘર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમને આખરી ઓપ આપવા દીકરાનું ઘર પરિવારના આયોજન કમીટીના સભ્યો મુકેશ દોશી, ડો. નિદત બારોટ, અનુપમ દોશી, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, નલીન તન્ના, ઉપેનભાઇ મોદી, હરેશભાઇ પરસાણા, રાકેશભાઇ ભાલાળા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, અશ્ર્વિનભાઇ પટેલ હેમલભાઇ મોદી, ગૌરાંગ ઠકકર, ડો. શૈલેષ જાની, પ્રવીણભાઇ હાપલીયા, હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા અને ધર્મેશ જીવાણી દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. દીકરી વ્હાલના દરીયાને સફળ બનાવવા સંસ્થાના આશીષ વોરા, જીતુભાઇ ગાંધી, મહેશ ભટ્ટી, સાવન ભાડલીયા, હરીશભાઇ હરીયાણી, વિમલ પાણખણીયા, મહેશ જીવરાજાની સહીતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.