ભારતમાં ફિલ્મ સિતારાઓ, સ્પોર્ટ્સમેન સહિતના સેલિબ્રિટીઓનું અનુકરણ કરનારો વર્ગ ખૂબ મોટો છે. ત્યારે આવી સેલિબ્રિટીઓ જે પ્રોડક્ટની જાહેરાતો કરે છે. તે પ્રોડકટ પાછળ ખૂબ મોટો વર્ગ ઘેલછા ધરાવે છે. ત્યારે સુપ્રીમે આ બાબતને ધ્યાને લઇ કહ્યું છે કે સેલિબ્રિટીઓ પણ જો ભ્રામક જાહેરાત કરે છે તો તે પણ જવાબદાર ગણાય છે.
ભ્રામક જાહેરાતોને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે સેલિબ્રિટી અને મીડિયા ઈન્ફ્લુએંસર જે કોઈ ભ્રામક જાહેરાતો કરતા હોય તો તેઓ પણ એટલા જ જવાબદાર ગણાય. સાથે જ જાહેરાતો આ5નારે અને એજન્સીઓ કે એન્ડોર્સર આવી જાહેરાતો માટે સરખા જવાબદાર ગણાશે. આઈએમએ અધ્યક્ષના વિવાદિત નિવેદન પર નોટિસ પણ પાઠવી છે અને 14મી મે સુધીમાં જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બ્રોડકાસ્ટર્સને કોઈપણ જાહેરાત આપતા પહેલાં સ્વ-ઘોષણાપત્ર દાખલ કરવું જોઈએ. જેમાં એવુ આશ્વાસન આપવામાં આવે કે તેના પ્લેટફોર્મ પર પ્રકાશિત કે પ્રસારિત થનારી જાહેરાતો કેબલ નેટવર્ક નિયમો, જાહેરાત કોડ વગેરેનું પાલન કરે છે.
એક ઉપાયના રૂપે અમે આ આદેશ આપવાનું યોગ્ય સમજીએ છીએ કે કોઈ પણ જાહેરાતને અનુમતી આપતા પહેલા એક સ્વ-ઘોષણા પ્રાપ્ત કરવામાં આવે. 1994ના કેબલ ટીવી નેટવર્કના નિયમો, જાહેરાત સંહિતા વગેરેના આધાર પર જાહેરાતો માટે સ્વ-ઘોષણા પ્રાપ્ત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પતંજલિની ભ્રામક જાહેરાતો અને બાબા રામદેવના કેસની સુનાવણી ચાલી રહી છે.
સુનાવણી દરમિયાન અગાઉ સુપ્રીમ કોર્ટે આઈએમએના અધ્યક્ષ આરવી અશોકન દ્વારા અપાયેલા નિવેદનની નોંધી લીધી હતી. જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેટલાક ડોક્ટરો પણ બિનજરૂરી મોંઘી દવાઓ દર્દીઓને લખી આપે છે. પતંજલિ સામે આઈએમએ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પતંજલિની સાથે સાથે આઈએમએને પણ ટકોર કરી હતી.
જોકે આઈએમએના અધ્યક્ષે આ ટકોર બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ડોક્ટરો અંગેની ટિપ્પણીથી ખાનગી ડોક્ટરોનું મનોબળ તુટ્યું છે. આ નિવેદન બાદ પતંજલિના બાલકૃષ્ણે આઈએમએના અધ્યક્ષ સામે કાર્યવાહીની માગણી કરી હતી. તેથી હાલ સુપ્રીમ કોર્ટે હવે આઈએમએના અધ્યક્ષ પાસેથી પણ જવાબ માગ્યો છે. સાથે જ જે ટિપ્પણી કરી હતી તેનો સ્વીકાર ના કરી શકાય તેવી પણ ટકોર કરી હતી.