‘યે તો સિર્ફ ઝાંકી હૈ, લોકસભા અભી બાકી હૈ’ના નાદ ગુંજ્યા
ભાજપના આગેવાનોએ એકાબીજાના મોંઢા મીઠા કરાવી કરી જીતની ઉજવણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. રાજકોટની ચારેય બેઠકો પર ભાજપનો ફરી વિજય થતાં શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે વિજયના શાનદાર વધામણાં કરવામાં આવ્યાં હતાં. શહેર ભાજપના આગેવાનોએ એકાબીજાના મોંઢા મીઠા કરાવીને વિજયોત્સવની ઉજવણી કરી હતી. કાર્યકરો મોટી સંખ્યામાં ‘કમલમ્’ ખાતે ઉમટી પડ્યાં હતાં. ‘એ તો સિર્ફ ઝાંકી હૈ, લોકસભા અભી બાકી હૈ’ના ગગનચૂંબી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ મતદારોનો આભાર માન્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા બદલ શહેરીજનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે અને રાજકોટ શહેરની વિધાનસભા-68 પૂર્વ, 69- પશ્ચીમ, 70-દક્ષીણ, અને 71-ગ્રામ્ય બેઠક ઉપર ભાજપનો જવલંત વિજય થયો છે અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે. રાજકોટની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યારે આ ચૂંટણીમાં પણ શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીમાં પુન: વિશ્ર્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે. ત્યારે શહેરીજનોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ખોબલે-ખોબલે મત આપીને પુન: ભાજપને શાસન સોંપેલ છે.
ત્યારે વધુમાં તેઓએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મહાનગરમાં પાયાની સુવિધાથી લઈને અનેકવિધ વિકાસના નાના-મોટા વિકાસ કાર્યો થયેલ છે ત્યારે આગામી પાંચ વર્ષોમાં ભાજપના સંકલ્પમાં દર્શાવ્યા મુજબના કામો હાથ ધરવામાં આવશે. ત્યારે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે વિધાનસભા ચૂંટણી પરીણામો નિહાળવા માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અગ્રણીઓ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતું અને ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે આતશબાજી અને અરસપરસ મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.
આ તકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કશ્યપ શુકલ, રક્ષાાબેન બોળીયા, જીતુભાઈ મહેતા, કાશ્મીરાબેન નથવાણી સહીતના સાથે કોર્પોરેટરો બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા અને આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષા અનીલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષી અને કાર્યાલય પરીવારએ સંભાળી હતી.