સૌરાષ્ટ્રના ગામોમાં ખુશીની મજલીશો અને નાત જમણવાર યોજાયા
સમગ્ર દાઉદી વ્હોરા સમાજએ આજરોજ ઇદ-ઉલ-અદહાની ઉજવણી કરી ત્યાગની ભાવના બુલંદ બનાવી હતી. પવિત્ર ઇસ્લામ ધર્મમાં ત્યાગની ભાવના લઇને આવતી ઇદ-ઉલ-અદહાની આજે રાજકોટ, જસદણ, ભાવનગર, વિછીંયા, બોટાદ, મોરબી, અમરેલી, જુનાગઢ, વિસાવદર, જામનગર, પોરબંદર, ધ્રોલ, જામખંભાળીયા, ગોંડલ, જેતપુર , કાલાવડ, સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, વાંકાનેર, મેંદરડા, સાવરકુંડલા, પાલીતાાણા, તળાજા, ગારીયાધાર, ચલાલા, ધારી જેવા અનેક ગામો સાથે દેશ અને દુનિયામાં મીસરી કેલેન્ડર મુજબ ઉજવણી કરી હતી. આજે વહેલી સવારે વ્હોરા બિરાદરો પોત પોતાના ગામોની મસ્જીદોમાં એકત્ર થઇ ફઝરની નમાજ અદા કર્યા પછી ઇદની સામુહિક વિશેષ નમાઝ અદા કર્યા બાદ દેશમાં ભાઇચારો, એકતા હજુ વધુ કેળવાય અને દેશ હજુ પ્રગતિ કરે ખાસ કરીને વ્હોરા બિરાદરોએ આજે પોતાના ૫૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલભાઇ સાહેબ સૈફદ્દીન (ત.ઉ.શ.) ના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે દુઆ પ્રાર્થના કર્યા બાદ એકમેકને મળી ઇદની મુબારક બાદ પાઠવેલ હતી.
સૌરાષ્ટ્રમાં આજે કેટલાંક ગામોમાં ખુશીની મજલીશો અને નાત જમણવારો યોજાય હતા. આજે સવારે ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના સાહેબે પણ મુંબઇમાં ઇદ-ઉલ-અદહાની નમાજ પઢાવેલ હતી. અને જીયારત વાસ્તે રોઝતુન તાહેરામાં પધારેલ હતા. આમ આજે વ્હોરા સમાજે આસ્થા અને ત્યાગની ભાવના લઇ ઇદની ઉજવણી હર્ષોલ્લાસથી કરી હતી.