બેન્કિંગ, બજેટીંગ, ફાઈનાન્સ, જાતીય સમાનતાની તાલીમનું કે.વી. તુલસીબાગ વાલેના હસ્તે ઉદઘાટન કરાયું
અમદાવાદ ખાતે પ્રોજેકટ લાઈફનાં નારી સશકિતકરણ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લાની ૧૫૦ વિધવા અને ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૧૯ની ઉજવણીના ભાગરૂપે બેન્કિંગ, બજેટીંગ અને ફાઈનાન્સ તેમજ જાતીય સમાનતાની તાલીમનું ઉદઘાટન કે.વી. તુલસીબાગવાલે (જનરલ મેનેજર અને ગુજરાત હેડ, બેન્ક ઓફ બરોડા)ના હસ્તે કરાયું. આ તકે સંસ્થામાંથી તાલીમ પામેલ અમદાવાદ જીલ્લાની આ દશકાની સર્વશ્રેષ્ઠ ૧૫ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કે.વી. તુલસીબાગવાલે, જી.સી. ભટનાગર, રેણુ મહેતા, અનસુયાબેન, હરેશભાઈ પારેખ, જયેશભાઈ શાહ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના ઉદઘાટક કે.વી. તુલસીબાગવાલેએ કૌશલ્યવર્ધન તાલીમ લઈ રહેલ ૧૫૦ બહેનોને સંબોધન કરતા જણાવ્યું કે, મહિલાઓની ઈજજત દ્વારા જ સમાજમાં જાતીય સમાનતાનો પાયો નાખી શકાશે. તેમજ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ આર્થિક ઉપાર્જન કરવા જૂનુન સાથે આગળ વધે તાલીમ પામેલ દરેક મહિલાને બેન્ક ઓફ બરોડા પુરતી માત્રામાં લોન આપશે. સંસ્થાના જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી કિરીટ વસાએ નારી સશકિતકરણ વિભાગની વિકાસયાત્રા વર્ણવી જણાવ્યું હતું કે, તમામ મહિલા પોતાની આંતરિક શકિતને ઓળખી અને આગળ આવે. તેમજ તેઓએ બહેનોને તાલીમમાં સહયોગ આપવા બદલ વિશ્વભરના બિન નિવાસી ભારતીયોનો આભાર પ્રગટ કરી ઋણ સ્વિકાર કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન જી.સી. ભટનાગરે ઉપસ્થિત તમામ મહિલાઓને બેન્કિંગ, બજેટીંગ અને ફાઈનાન્સની તાલીમ સરળશૈલીમાં આપી હતી અને સરકારની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું અને જીવનમાં બચતનું મહત્વ સમજાવ્યું હતું.