હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, મંદિરમાં બ્રહ્મ ભોજન, રકતદાન કેમ્પ અને બાળકોને બાલભવનની મોજ સહિતના વિવિધ સેવા કાર્યો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનો આજે 66મો જન્મદિવસ છે. રાજકોટમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કાયમી કોમનમેન એવા વિજયભાઈના જન્મદિવસની સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વોર્ડ અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.
પંચનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે સોઢા ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગના 40 છાત્રોએ રકતદાન કરીને પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિવસની સેવાકિય ઉજવણી કરી હતી. વોર્ડ નં.8માં આંગણવાડીના બાળકોને ભાવતા ભોજનીયા કરાવવામાં આવ્યા હતા જયારે વોર્ડ નં.1માં ભાજપ અને પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવ્યો હતો.
વોર્ડ નં.2માં સ્કૂલમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વેકિસનેશન કેમ્પ પણ યોજાયો હતો. સદભાવના વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા માવતરોને ભોજન પીરસવામાં આવ્યું હતું. હરહંમેશ વિજયભાઈની કાર્યશૈલી સેવાકિય રહી છે ત્યારે આજે તેઓનો જન્મદિવસ યાદગાર બની રહે તે માટે વિવિધ સંસ્થાઓ, સંગઠન અને ભાજપ પરિવાર દ્વારા સેવાદિન સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. રકતદાન સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતા ખરેખર જન્મદિવસ દીપી ઉઠયો હતો.