આસુરી વૃત્તિ પર વિજયની ઉજવણીના ભાગ રૂપે સૌરાષ્ટ્રીયનો ફાફડા, જલેબી અને મીઠાઈની લીજ્જત માણશે
નવરાત્રીમાં માતાજીની આરાધના પછી આજે દશેરા અવસર આવ્યો છે. આજનો અવસર માતાજીના નવ દિવસના યુધ્ધ પછી મહિસાસૂર ઉપરના વિજયની અને શ્રી રામના નવ દિવસનો ધમસાણ યુધ્ધ પછી રાવણ ઉપરના વિજયની ઉજવણીનો અવસર છે. એવી માન્યતા છે કે રામે રાવણનો આજના દિવસે વધ કર્યો હતો. સાથે એવું પણ કહેવાય છે કે રાવણનો વધ કર્યા પહેલા રામે સમુદ્ર તટ પર ૯ દિવસ સુધી ર્મા દુર્ગાની આરાધના કરી હતી અને દસમાં દિવસે તેમને વિજય પ્રાપ્ત થઈ હતી તો એક માન્યતા એવી પણ છે કે માં દુર્ગાએ નવ રાત્રી અને દસ દિવસ સુધી યુધ્ધ કર્યાબાદ રાક્ષસ મહિસાસૂરનો વધ કર્યો હતો.
આજના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે રાવણ દહનનું પણ મોટાભાગના શહેરોમાં આયોજન કરવામાં આવે છે. અસત્ય રૂપી રાવણનો સત્ય રૂપી રામ દ્વારા વધ કરાઈ વિજયાદસમીની ઉજવણી કરાઈ છે. યુધ્ધ બાદ સત્ય ને મળેલી જીતનાં અવસરે મીઠાઈઓ આરોગવામાં આવે છે. ફાફડા, જલેબી, ગાંઠીયા જેવા નમકીન અને સ્વાદિષ્ટ વ્યંજનો આરોગી વિજયાદસમીની ઉજવણી કરવામાં આવે છે.
વિજયાદશમીનું અલગ અલગ મહત્વ છે. એકતો રામે રાવણનો વધ કરી અસુરી વૃત્તિ પર વિજય મેળવ્યો આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આજે ભગવાન બુધ્ધનો જન્મ થયો હતો. અને એક માન્યતા એવી છે કે પાંડવો જયારે ૧૩ વર્ષનાં ગુપ્તવાસમાં હતા ત્યારે સમીના વૃક્ષની બખોલમાં હથિયાર છુપાવ્યા હતા અને આ હથિયાર આજના દિવસે બહાર કાઢી તેનું પૂજન કર્યું હતુ માટે આજે ક્ષત્રિયો, રાજપૂત અને રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે.
આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. અને ત્યાર બાદ વિભિષણને લંકાની ગાદી સોંપી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું હતુ માટે આજના દિવસને અતિ શુભ માનવામાં આવે છે. વર્ષમાં એવા ત્રણ જ મૂહૂર્ત એવા જે વણજોયા મુહુર્ત તરીકે મનાય છે. એવા મુહુર્તમાં આજનું વિજયાદશમીનુ મુહુર્ત વણજોયું છે. આજના દિવસે દરેક પ્રકારનાં શુભકાર્યો થાય છે. મકાન, દુકાનના ઉદઘાટન માટે આજનો દિવસ શુભ મનાય છે. આજે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો થશે અને આતશબાજી સાથે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરાશે.