- જેનો જન્મ લાખો માનવોમાં માનવતા જગાડવા માટે થયો હોય તેમનો જન્મોત્સવ એટલે ‘માનવતા મહોત્સવ’
- બાલ્યવસ્થામાં 5 વર્ષનું નાનકડું બાળક સ્વયંના ભોજન પહેલા મોર અને પક્ષીઓને દાણા આપે, ગલુડિયાંને ભોજન કરાવે અને પછી જ સ્વયં ભોજન કરે, કિશોરાવસ્થામાં ગામમાં દુકાળ સમયે સર્વ ગ્રામજનોને સહાયરૂપ બને.
ભવોભવની સર્વ જીવો પ્રત્યેની કરુણા ભાવના બાલ્યાવસ્થાથી જ દૃશ્યમાન થાય અને વર્ષો વીતતા દેશ- વિદેશના લાખો જીવો માટે આશીર્વાદરૂપ બની જાય, આવા જૈન ગુરુ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 54મો જન્મોત્સવ દર વર્ષની જેમ “માનવતા મહોત્સવ” રૂપે 29મી સપ્ટેમ્બર, 2024 રવિવારે, સવારે 9 કલાકે પરમધામમાં ઉજવાશે અને દેશ-વિદેશના નગર-નગરમાં માનવતા અને જીવદયાના અનેકવિધ સત્કાર્યો કરીને ઉજવાશે.
ઉલ્લેખનીય છે કે, પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે વિઘ્નનિવારક મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની સિદ્ધિદાયક વિશેષ જપ સાધના વર્ષમાં માત્ર એક જ વાર કરાવવામાં આવે છે. પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્ર ઉર્જા અને હજારો-હજારો ભાવિકોનો એક સાથે ઊઠતો શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો મંત્રનાદ સંપૂર્ણ વાતાવરણમાં એક અનન્ય દિવ્ય અને અલૌકિક સ્પંદનોની અનુભૂતિ કરાવશે.
ડોલર ચાલે યુ.એસ.માં, પાઉન્ડ ચાલે યુ.કે.માં, રૂપિયા ચાલે ઇન્ડિયામાં, અલગ અલગ દેશમાં અલગ અલગ કરેંસી ચાલે, કોઈ એક કરેંસી સર્વ દેશમાં ન ચાલે પરંતુ એક માત્ર પુણ્યની કરેંસી એવી છે જે ચાલે દુનિયાના દરેક દેશ-પ્રદેશ અને દરેક ક્ષેત્રમાં. અને આવી પુણ્યની પૂંજી એકઠ્ઠી કરવાની તક પ્રદાન કરતો અવસર એટલે માનવતા મહોત્સવ. આજ સુધી, માનવતાના જાણે એ ટુ ઝેડ પ્રકલ્પો પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશ-વિદેશમાં ચાલી રહ્યા છે, જેમાં દરેક ક્ષેત્રના, દરેક વર્ગના, દરેક વય અને દરેક પ્રકારના જીવોને અનુલક્ષીને શાતા- સમાધિ આપવાનો પુરુષાર્થ 365 દિવસ કરવામાં આવે છે ત્યારે તે સત્કાર્યોની શૃંખલામાં દર વર્ષે એક નવ્ય વિચાર સાથે અનેક નવા સત્કાર્યના પ્રકલ્પો માનવતા મહોત્સવ અવસરે ઉદઘોષિત કરવામાં આવે છે.
બાસ્વામી પ્રબોધિકાબાઇ મહાસતીજી આદિ જેવા અનેક વડીલો, અનેક સંઘો અને શ્રેષ્ઠીવર્યોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનો સમય સવારે 9 કલાકે રાખવામાં આવ્યો છે.
મુંબઈના ભાવિકો માટે- પારસધામ (ઘાટકોપર), પાવનધામ (કાંદિવલી) અથવા નજીકના સંઘોથી પાસ લેવા અનિવાર્ય રહેશે.
વિશેષરૂપે, મુંબઈસ્થિત ભાવિકો માટે ઘાટકોપર, કાંદિવલી, દાદર, પાર્લા, બોરીવલી, મલાડ, અંધેરી, તારદેઓ, વસઇ આ બધા સ્થાનોથી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બસની વ્યવસ્થા અર્થે અગાઉથી નામ નજીકના સંઘમાં નોંધ કરવાનું રહેશે.