વરૂણદેવે પતંગ રસિકોને મોજ કરાવી દીધી
આખો દિવસ પતંગ ઉડાડયા બાદ રાત્રે અગાસી પર દાંડીયારાસની રમઝટ, ફટાકડાની આતશબાજી: પ્રતિબંધની કડક અમલવારી સફળ તુકકલ ખુબ ઓછા ઉડયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદરે વતન અમદાવાદમાં જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઉજવી મકરસંક્રાંતિ
નવા વર્ષનો પ્રથમ તહેવાર ગઈકાલ મકરસંક્રાંતિ પર્વની સૌરાષ્ટ્રભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ છે. આખો દિવસ લોકોએ અગાસી પર ધામા નાખી પતંગ ચગાવવાની મોજ માણી હતી. લોકો સવારથી જ જીંજરા, ચીકી, શેરડી વગેરે લઈ ધાબા પર ચઢી ગયા હતા તો બપોરે ચાપડી-ઉંધીયાની લુફત ઉઠાવી હતી.
નાના બાળકોથી લઈ વડિલો, યુવાનો, મહિલાઓ સૌ કોઈએ પતંગ ચગાવી એકબીજા સાથે પેચ લગાવી આનંદ ઉલ્લાસ કર્યો હતો પવનદેવે પણ કાલે પતંગરસીયાઓને સાથ આપ્યો હોય એમ પવન સારો ફૂંકાતા પતંગો ચગાવવાની મજા ઓર વધી ગઈ હતી.
ઘણા શોખીનોએ તો ધાબા પર ટેપ લગાવી બોલીવુડ ઢોલીવુડના ગીતો સાંભળી આનંદમાં બેવડો ઉમેરો કર્યો હતો. ગીતો મ્યુઝીકના સથવારે ઘણા લોકો અગાસી પર પણ ઝુંમી ઉઠ્યા હતા. તો રાત્રે આતશબાજી કરી જાણે ત્રણ તહેવાર ગઈકાલે મનાવ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના શહેરોમાં પતંગોત્સવ પણ યોજાયા હતા.
રાજકીય-સામાજીક આગેવાનો, નેતાઓએ વ્યસ્તતામાથી સમય કાઢી પતંગ ઉડાડવાની મોજ માણી હતી.
લોકોની આખો દિવસ લપેટ… લપેટ… કાઈપો છેની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. બાળકોએ ફુગ્ગા ઉડાડી પતંગોત્સવ માણ્યો હતો.
આપણી સંસ્કૃતીમાં મકરસંક્રાંતિ પર્વએ દાન-પૂણ્યનું અનેકગણું મહત્વ રહેલું છે. તેમજ ગૌમાતાની આ દિવસે સેવા સુશ્રુષા કરવાથી ઘણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી ગઈકાલે તમામ ગૌશાળા પાંજરાપોળના કાર્યકરોએ ચોકે ચોકે માંડવા નાખી દાન એકત્ર કર્યું હતુ. ઉદારદિલે દાતાઓએ પણ દાન આપી ગૌશાળા-પાંજરાપોળોને સહકાર આપી પૂણ્યંનું ભાથુ બાંધ્યું હતુ તો જીવદયા પ્રેમીઓએ પક્ષીઓને બચાવવા અભિયાન શરૂ કર્યુંતુ પતંગની દોરીથી પક્ષીઓ ન ઘવાય તે માટેની અપીલ કરરી હતી તો ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઈન સતત કાર્યરત રહી હતી.
ઉતરાયણના બીજા દિવસે વાસી ઉતરાયણ તેમજ રાજકોટના ધંધાર્થીઓને રજા હોય તેઓ આજે પણ પતંગ ઉડાડી બે દિવસ મકરસંક્રાંતિ મનાવશે. મકરસંક્રાંતિ પર્વ સૌ કોઈનો પ્રિય તહેવાર હોય એકબીજાના મનદુ:ખ ભુલાવી લોકોને તણાવમાથી મૂકત કરી દે છે.
સૌરાષ્ટ્રભરમાં આનંદ ઉલ્લાસ સાથે ઉતરાયણ ઉજવાઈ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટમાં મકરસંક્રાંતિએ પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. શહેરનાં અમીન માર્ગ પર આવેલા સાગર એપાર્ટમેન્ટમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજના નિવાસે બાળપણના મિત્રો સાથે પતંગ ઉડાડવાની મોજ માણી હતી. તો મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ સાથે રહી રૂપાણી દંપતિએ પતંગ ચગાવી હતી.
કરૂણા અભિયાનથી અબોલ પશુ-પક્ષીના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો: મુખ્યમંત્રી
ઉત્તરાયણએ આપણું પરંપરાગત પર્વ છે. પરંતુ અગાઉના વર્ષોમાં આ પર્વને કારણે પતંગોના દોરાથી અનેક અબોલ પક્ષીઓ અને પશુઓને ગંભીર ઇજા થતી તથા મૃત્યુ પણ પામતા હતા. ગુજરાતએ અંહિસાને વરેલું રાજય છે. આપણી સંસ્કૃતિમાં અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે જીવદયાએ એક સંસ્કાર છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે અબોલ પશુ પક્ષીઓને અભયદાનના મંત્રને સાર્થક કરવા તત્પર રાજય સરકારે આ બાબતની ગંભીર નોંધ લઇને છેલ્લા ત્રણ વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરેલ છે. ઉત્તરાયણ પર્વ સાથે જીવદયાનું આ ઉત્તમ કાર્ય એ ગુજરાત રાજયની વિશિષ્ટ ઓળખ બની રહ્યું છે.
રાજયના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતેની મુલાકાત દરમિયાન રાજકોટ સ્થિત “કરૂણા અભિયાન” અન્વયે ત્રિકોણબાગ સ્થિત ચાલી રહેલ સારવાર કેન્દ્રની મૂલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કરૂણા ફાઉન્ડેશન, વનવિભાગ અને પશુપાલન વિભાગ તથા વિવિધ સ્વૈછિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં 650થી વધુ સારવાર કેન્દ્રો શરૂ કરાયેલ છે. જેમાં 5000થી વધુ પશુ ચિકિત્સકો અને 5000થી વધુ સ્વંયસેવકો સેવા આપી રહ્યાં છે. જેને કારણે ધાયલ પક્ષીઓને ત્વરીત સારવાર મળવાથી આ ઇજાગ્રસ્ત પક્ષીઓના મુત્યુની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લોકજાગૃતિ અને એમ્બ્યુલન્સ સાથે ત્વરીત સારવાર, ઇજાગ્રસ્ત પક્ષીઓની સહિત ગત વર્ષે રાજકોટ ખાતે 750 ઘાયલ પક્ષીઓની સાપેક્ષમાં આ વર્ષે હજુ સુધી માત્ર 150 ઘાયલ પક્ષીઓ સારવાર માટે આવેલ છે. જે લોકોની જાગૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે.
વર્ષોથી બાળપણના મિત્રો ઉત્તરાયણ સાથે જ ઉજવીએ છીએ: વિજયભાઈ રૂપાણી
ઉતરાયણ પર્વ નિમિતે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના મિત્ર અભયભાઈ ભારદ્વાજનાં નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા અને તેઓએ પરીવાર સાથે ઉતરાયણ પર્વ મનાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓનાં ગ્રુપમાં કોલેજકાળનાં 12 અંગત મિત્રો છે કે જેમની સાથે વર્ષમાં એક વખત એટલે કે ઉતરાયણ પર્વ સાથે મનાવવાનું નકકી કર્યું છે ત્યારે હાલ ત્રીજી પેઢી પણ તે જ ચિલ્લો જાળવી રાખયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મિત્રતાની સાથોસાથ પારીવારીક નાતો કેળવાતા સુખ-દુ:ખનાં પ્રસંગોમાં સાથે રહેવાનું અત્યંત પસંદ પડે છે.
વધુમાં મુખ્યમંત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિ તે એક પ્રકૃતિનો પ્રસંગ છે. ગુજરાત વિકાસ સાથે જોડાયેલું રાજય છે ત્યારે આગામી સમયમાં ગુજરાત પણ અનેકવિધ ઉંચાઈઓ સર કરશે તેવો ભરોસો છે અને આ મકરસંક્રાંતિ સર્વે લોકોના ભવિષ્યને ઉજળુ બનાવવા માટેનો આ પ્રસંગ છે.અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ઉતરાયણ પ્રસંગ છેલ્લા અનેક વર્ષોથી તેઓ પરીવાર સાથે ઉજવી રહ્યા છે.