રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના નાના મોટા શહેરોમાં વિશાળ શોભાયાત્રા; ઠેર ઠેર મહાઆરતી, મહાપુજા, શસ્ત્રપુજન, મહાપ્રસાદ
બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામનો વૈશાખસુદ ત્રીજ એટલે કે આજે અખાત્રીજે જન્મોત્સવ છે. ભૂદેવોમાં ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવવા અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા આજે ધર્મોત્સવ ઉજવાશે. જેમાં ભગવાન પરશુરામના રથ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા તેમજ મંદિરોમાં મહાઆરતી, મહાપુજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભૂદેવો વિધિવિધાનપૂર્વક શસ્ત્રપૂજન કરશે સાંજે કેટલીક જગ્યાએ મહાપ્રસાદ તો ઘણી જગ્યાએ વડીલો માટે ભકિત સંગીતના કાર્યક્રમો યોજાયા છે.સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો જેમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. ભુદેવો સ્વયંભૂ આજે પોતાનાકામકાજ બંધ રાખી ધર્મોત્સવમાં જોડાશે.