બ્રાહ્મણોના આંગણે દિવાળી જેવો માહોલ
શોભાયાત્રા, યજ્ઞ-હવન, બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ સેવાકીય – ધાર્મિક કાર્યક્રમો
ગામે ગામ ગુંજયો જય પરશુરામનો નાદ
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાતા ભગવાન પરશુરામની જન્મ જયંતિની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે અખાત્રીજની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં બપોરે વિશાળ શોભાયાત્રા નીકળશે.
વૈશાખ સુદ-3 અર્થાત અખાત્રીજના મંગલ દિવસે બ્રહ્માણોના આરાઘ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિ અને ઋષિમુનિઓની રળિયાત છે. વેદ-ઉપનિષદ, પુરાણો, શાસ્ત્રોની રચના કરી વિચાર, વિજ્ઞાન, વિરતા વિનમ્રતા, વિશાળતા અને વિદ્યા જેવા વિવિધતા થકી માણસાઇના પાઠ શીખવી અમરતા પ્રાપ્ત કરી લેનાર ઋષિમુનિઓની જન્મ જયંતિની ભકિત સભર ઉજવણી કરવામાં આવે છે.
આજે ભૂદેવોના અધિષ્ઠાતા દેવ પરશુરામ ભગવાનના જન્મોત્સવની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભકિતસભર ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ગામે ગામે જય પરશુરામનો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો રહ્યો છે. રાજકોટ સહિત અનેક ગામોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યજ્ઞ-હવન, બ્લડ ડોનેશન કેમ્પ, મહાઆરતી, મહાપ્રસા સહિતના અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આજે અખાત્રીજનું પણ વણજોયું મુહુર્ત છે જો કે આજે લગ્ન સંહિતના માંગલીક કાર્ય થઇ શકે તેવું કોઇ મુહુર્ત નથી. આજના દિવસે લોકોએ નવા મકાનની ખરીદી, જમીનની ખરીદી, વાહનની ખરીદી, સોના અને ચાંદીની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. હાલ સોના-ચાંદીના ભાવ ખુબ જ ઉંચા હોવાના કારણે ખરીદીમાં થોડી નરમાશ જોવા મળતી હતી. લોકો માત્ર શુકન પુરતી ખરીદી કરતા હતા.